ગામડાના લોકોને તાલુકા મથકે થતા ધક્કા ટળશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી રાજકોટ જિલ્લાના ૨૦૦ ગામડાઓ માટેની ડિજિટલ સેવા સેતુ યોજનાનો કરાવ્યો પ્રારંભ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા મથકના ધક્કા ટળે તે માટે રૂપાણી સરકાર દ્વારા ૨૦૦ ગ્રામ પંચાયતોમાં જ ૨૨ જેટલી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જો કે ગઈકાલે વીસીઈની વળતરની માંગ સંતોષી સરકારે આ વધારાની કામગીરી તેમને સોંપી દીધી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી રાજકોટ જિલ્લાના ૨૦૦ ગામડાઓ માટેની ડીજીટલ સેવા સેતુ યોજનાનો  પ્રારંભ કરાવ્યો છે. જે અન્વયે ગોંડલ તાલુકાના લીલાખા ગામે કાર્યક્રમનું આયોજન મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ જી-સ્વાનના માધ્યમથી ગામના લાભાર્થીઓ, સરપંચો, તલાટીઓ અને વીસીઇ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ અન્વયે જિલ્લાના પડધરી તાલુકાના પડધરી ગામ, કોટડાસાંગાણી તાલુકાના શાપર, લોધિકા તાલુકાના ખાંભા, જસદણ તાલુકાના જંગવડ અને ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામના લાભાર્થીઓ સાથે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ યોજનાના પ્રારંભથી હવે ગ્રામપંચયતમાં જ વિવિધ ૨૨ સેવાઓ ઉપલબ્ધ બનવાની છે. જેથી ગામડાના લોકોને તાલુકા મથક ખાતેની કચેરીઓ ધક્કા ન ખાવા પડે. આ તમામ કામગીરી ગ્રામ પંચાયતોમાં વીસીઈને સોંપવામાં આવી છે.

હવે ગ્રામ પંચાયતમાં જ આ ૨૨ કામ થશે

રેશન કાર્ડમાં નામ ઉમેરવા, રેશન કાર્ડમાંથી નામ કાઢવું, રેશન કાર્ડમાં સરનાખું સુધારવું, નવું રેશન કાર્ડ કાઢવું, રેશન કાર્ડનું જુદું કરવું, રેશન કાર્ડના વાલી માટેની અરજી, ડુપ્લિકેટ રેશન કાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ટેમ્પરરી રેસિડેન્સ સર્ટિફિકેટ, આવકનો દાખલો, અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો(પંચાયત આવક વગર), સિનિયર સિટિઝન સર્ટિફિકેટ, ભાષા આધારિત માઇનોરિટિ સર્ટિફિકેટ, રિલિજિયસ માઇનોરિટી સર્ટિફિકેટ, વિચરતી સૂચિત જાતિના સર્ટિફિકેટ, મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકના દાખલાનું એફિડેવિટ, જાતિના દાખલનું એફિડેવિટ, રેશન કાર્ડ માટેનું એફિડેવિટ, રેશન કાર્ડ માટેનું એફિડેવિટ, નામ બદલવા માટેનું એફિડેવિટ, અન્ય તૈયાર એફિડેવિટ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.