• શ્રીમદ્દ ભાગવદ ગીતાનો વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે કરાવાશે: વિધાનસભામાં ઠરાવ સર્વાનુમતે પસાર
  • રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે.

શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ પાનશેરીયાએ સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ગીતા જ્ઞાનનો ખજાનો તો છે જ, સાથે સાથે સત્કર્મો અને સદવિચાર માટે ઉદ્દીપક પણ છે. ગીતાના તત્વજ્ઞાન થકી ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ જ્ઞાની બનશે અને ’વિકસિત ભારત 2047’ ના સંકલ્પને સાર્થક કરવાની દિશામાં તથા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહત્વનું યોગદાન આપશે.

વિધાનસભા ખાતે ધોરણ 6 થી 12 માં ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાના સંકલ્પ રજૂ કરતા મંત્રી પાનશેરીયા એ કહ્યું કે,દરેક વાલીનું સપનું હોય છે કે પોતાનું બાળક સંસ્કારી બને, જીવન જીવવાની પધ્ધતિ થી વાકેફ થાય એ માટે અમે સામાજીક ઉત્થાન માટે સામાજીક જવાબદારી થી લાવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિમાં યોગ એ આપણી આગવી ઓળખ છે જેને યુનો એ પણ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે એમ ભગવતગીતા ના મૂલ્યો ને સમજી ને યુનો દ્વારા “ગીતા ડે” ઉજવવાનો નિર્ણય કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મંત્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો સમાવવામાં આવ્યા છે. જે પૈકીનો એક સિદ્ધાંત વિદ્યાર્થીઓ માં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદ્દભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકાયો છે.

તેના અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય અને ભારતીય હોવા પર ગર્વ અનુભવે તે માટે વિદ્યાર્થીઓના રોજિંદા જીવન અને શાળાકીય અનુભવોમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય તે જરૂરી છે. આ જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે રીતે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો શાળાકીય અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. જે બાબત ધ્યાનમાં રાખીને શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલી નો સમાવેશ કરવા માટે રાજ્યની શાળાઓમાં ધોરણ-6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ-6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. ધોરણ-9 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભારતના સંતો અને ક્રાંતિકારીઓને તો દિશા આપી જ છે સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અસર આધુનિક અને પશ્ચિમી વિચારકો ઉપર પણ ઘણી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો ગ્રંથ છે જેને કોઈ સીમાડા નથી. રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ-6 થી 12 ના અભ્યાસક્રમમાં ગીતા સાર નો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે. જેની અમલવારી સંપૂર્ણ અને અસરકારક રીતે થાય તે જરૂરી છે અને તે માટે તમામ પગલાં ભરવા આ સંકલ્પ લાવવામાં આવ્યો છે.

મંત્રીએ ઉમેર્યું કે,ભારતીય વિચાર પરંપરામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની લોકપ્રિયતા અપૂર્વ છે. આ અપૂર્વ અને અદ્વિતીય સ્થિતિ પ્રાપ્ત થવાના અનેક કારણ છે. આ ગ્રંથનો આનંદ અબાલ વૃધ્ધોએ અનેક પેઢીઓથી મેળવ્યો છે. આમાં શ્રીકૃષ્ણ અને અર્જુન એ બે પાત્રો અતિ મોહક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ એવા સુકોમલ અવસર પર કરવામાં આવ્યો છે, જ્યારે દેશ નહીં પણ, ધર્મનું અસ્તિત્વ પણ સંકટમાં હતું. આ ગ્રંથ સંવાદાત્મક શૈલીમાં છે. આ ગ્રંથની મહાન આકર્ષકતા માટે માત્ર તેના બાહ્યગુણ પૂરતા નથી, એમાં એક સર્વકાલીન અને સાર્વજનિક વિશિષ્ટ સંદેશો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના આદેશ અનુસાર સ્વધર્મનિષ્ઠાથી પરમેશ્વરની આરાધનાથી પ્રત્યેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવની કૃપા પ્રાપ્ત કરી શકે છે તેમજ પોતે પ્રગતિ કરીને કૃતાર્થ(ધન્ય) બની શકે છે. આ ગ્રંથ આરંભથી અંત સુધી સહિષ્ણુતાની ભાવનાથી ઓતપ્રોત છે. જે ભારતીય જ્ઞાનધારા-વિચારધારાનું મુખ્ય લક્ષણ છે. આથી જ ગીતાનો યુગધર્મપ્રવર્તક, અપરિવર્તનીય અને સનાતનશાસ્ત્ર તરીકે સ્વીકાર થયો છે.

તેમણે ઉમેર્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભારતના સંતો અને ક્રાંતિકારીઓને તો દિશા આપી જ છે સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અસર આધુનિક અને પશ્ચિમી વિચારકો ઉપર પણ ઘણી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો ગ્રંથ છે જેને કોઈ સીમાડા નથી. રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ-6 થી 12 ના અભ્યાસક્રમમાં ગીતા સાર” નો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંકલ્પ વિધાનસભા ખાતે વિના વિરોધે પસાર કરાયો હતો.

ધોરણ 11 અને 1ર માં રામાયણના પાઠ પણ ભણાવો: ‘આપ’ ની માંગ

આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ  ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવત ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે. અમારા દ્વારા આ પ્રસ્તાવમાં રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રીને ઘણા સૂચનો પણ આપવામાં આવ્યા છે. આપ પ્રશ્ન એ છે કે શ્રીમદ્ ભગવત ગીતાને ભણાવી શકે તેવા તજજ્ઞો કે શિક્ષકો છે? કારણ કે મોટાભાગની શાળાઓમાં આજે પણ સંસ્કૃતના શિક્ષકોની ખૂબ જ ઘટ છે.  સાથે સાથે ગુજરાતની મોટાભાગની શાળાઓમાં પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ઓરડાની

ખૂબ જ ઘટ છે, રમત ગમતના મેદાનોની ઘટ છે અને ગુરુ સમાન શિક્ષકો પણ આજે કોન્ટ્રાકટ આધારિત કામ કરી રહ્યા છે. હવે કોઈપણ શિક્ષક ગીતાના પાઠ કઈ રીતે ભણાવી શકશે? ગુજરાતમાં આજે 32,634 શિક્ષકોની ઘટ છે. 14000 શાળાઓ એવી છે જ્યાં એક જ વર્ગમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.

અમારું એ પણ સૂચન છે કે ભગવત ગીતાના પાઠ શરૂ કરાવ્યા પહેલાં ઓરડાની વ્યવસ્થા કરવામાં આવે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણની એક મૂર્તિની સ્થાપના કરવામાં આવે. ત્યારબાદ તેમનું સમગ્ર જીવન રજૂ કરવામાં આવે અને ત્યારબાદ તજજ્ઞ શિક્ષકો દ્વારા બાળકોને ગીતાના પાઠ ભણાવવામાં આવે. શ્રીમદ્ ભગવત ગીતાની સાથે સાથે રામાયણનું પણ હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે માટે આપની પણ માંગણી કરી છે કે ધોરણ 11 અને 12 માં રામાયણના પાઠ ભણાવવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.