મુખ્યમંત્રી, મંત્રી મંડળના સભ્યો, સચિવ સહિત 230 લોકો 10મી ચિંતન શિબીરમાં જોડાશે
રાજ્ય સરકાર દ્વારા મંત્રી મંડળના સભ્યો, વરિષ્ઠ સચીવો અને અધિકારીઓ માટે સમયાંતરે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આગામી 19 થી 21 મે દરમિયાન એકતાનગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 10મી ચિંતન શિબિર યોજાશે. જેમાં સીએમ, મંત્રી સહિત 230 લોકો ભાગ લેશે. ચિંતન શિબિરની તૈયારી અને રૂપરેખા તૈયાર કરવા ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી.
રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ સ્થળોએ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આગામી 10મી ચિંતન શિબિર 19 થી 21 મે એમ ત્રણ દિવસ માટે કેવડીયા ખાતે વિશ્ર્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળશે.
જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રી મંડળના તમામ સભ્યો, સરકારના વરિષ્ઠ સચિવો, આઇએએસ અને આઇબીએસ ભાગ લેશે.
ચિંતન શિબિરમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ ચિંતન શિબિરમાં અલગ-અલગ સેશનમાં વિવિધ મુદ્ાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. ચિંતન શિબિરના આયોજનની સમીક્ષા કરવા ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.