પ્રથમ તબક્કે ૨૦ ઈલેકટ્રીક બસ બીઆરટીએસ રૂટ પર દોડાવાશે કોર્પોરેશનના અધિકારીઓને પણ ઈલેકટ્રીક વાહન આપવાની વિચારણા
જેટ ગતિએ મેટ્રો સિટી બનવા તરફ આગળ ધપી રહેલા રાજકોટમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ તબક્કામાં ૧૦૦ જેટલી ઈલેકટ્રીક બસ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કે ૫૦ ઈલેકટ્રીક બસ ખરીદવા માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ શહેરના રાજમાર્ગો પર ઈલેકટ્રીક બસ દોડતી નજર પડશે. પ્રથમ તબક્કે આગામી ૧લી અથવા બીજી માર્ચના રોજ ૨૦ બસનું રાજકોટમાં આગમન થઈ જશે. જે બીઆરટીએસ રૂટ પર દોડાવવામાં આવશે. પ્રદુષણ ઘટાડવા માટે મહાપાલિકાના કર્મચારીઓને પણ ઈલેકટ્રીક વાહન આપવા વિચારણા ચાલી રહી છે.
રાજકોટમાં ઈલેકટ્રીક બસ દોડાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાયા બાદ કોર્પોરેશને ૧૦૦ ઈલેકટ્રીક બસ લેવાનો નિર્ણય કર્યો છે. જે પૈકી ૫૦ બસ ખરીદવા માટેનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે. આગામી ૧લી અથવા ૨જી માર્ચના રોજ ૨૦ ઈલેકટ્રીક બસનું રાજકોટમાં આગમન થઈ જશે. મહાપાલિકામાં નવા પદાધિકારીઓ નિયુક્ત થતાંની સાથે જ તેઓના હસ્તે આ ઈલેકટ્રીક બસની લીલીઝંડી આપવામાં આવશે. પ્રથમ તબક્કે મળનારી ૨૦ ઈલેકટ્રીક બસ હાલ બીઆરટીએસ રૂટ પર દોડાવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર જેમ જેમ વધુ બસ મળતી જશે તેમ તેમ અલગ અલગ રાજમાર્ગો પર ઈલેકટ્રીક બસ દોડતી કરવામાં આવશે.
બીજી તરફ મહાપાલિકાના અધિકારીઓને પણ ઈલેકટ્રીક કાર આપવાની વિચારણા ચાલી રહી છે. અધિકારીઓને મોટાભાગે સિટી એરીયામાં કામ રહેતું હોય છે આવામાં સિટીની અલગ અલગ પ્રોજેકટ અથવા ઘરથી ઓફિસ સુધી અવર-જવર માટે ઈલેકટ્રીક વાહન આપવામાં આવશે. સિટીની બાર મુસાફરી માટે તેમને પેટ્રોલ કે ડિઝલ સંચાલીત વાહનો ફાળવવામાં આવશે. જો કે ઈલેકટ્રીક મોટર કારની કિંમત ૨૦ લાખ જેવી હોવાના કારણે જો સરકાર ખાસ ગ્રાન્ટ આપશે તો જ બસ ખરીદવામાં આવશે.