ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે બાળ ફિલ્મો બતાવી હળવો નાસ્તો કરાવશે
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ ૧૦થી ૧૫ જુલાઈ દરમિયાન શાળાના બાળકો માટે બાળફિલ્મોત્સવ નું આયોજન કરાયું છે જેમાં બાળકોને વિનામુલ્યે ફિલ્મોની મોજ કરાવી હળવો નાસ્તો પણ કરાવવામાં આવશે.
બાળફિલ્મોત્સવ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા અધિક જિલ્લા કલેક્ટર પી.જી. પટેલે જણાવ્યું હતું કે તારીખ ૧૦ થી ૧૫ ના છ દિવસના સમયગાળામાં ધોરણ ૬ થી૮ ના વિદ્યાર્થીઓને મોરબી શહેરના જુદા જુદા ત્રણ સિનેમા ઘરોમાં પ્રસિદ્ધ હિન્દી બાળફિલ્મો દેખાડવામાં આવશે.
જેમાં તા. ૧૦નાં રોજ આઈ એમ કલામ, તા. ૧૧નાં રોજ સ્ટેન્લી કાં ડબ્બા, તા. ૧૨નાં રોજ ફરારી કી સવારી, તા. ૧૩નાં રોજ જલપરી ધ ડેસર્ટ મેરમેઇડ, તા. ૧૪નાં રોજ હવા હવાઈ અને તા. ૧૫નાં રોજ મિશન મમ્મી ફિલ્મ દર્શાવાશે. આ બાળફિલ્મ મહોત્સવ દરમિયાન મોરબી શહેર અને આસપાસના ગામોની સરકારી શાળાના આશરે સાડાત્રણ હજાર બાળકોને ફિલ્મ જોવા લઈ જવાશે અને હળવો નાસ્તો પણ કારાવવા આવશે.