સમગ્ર રાજયનાં એપીએલ કાર્ડ ધારકોને કેરોસીનનું વિતરણ બંધ: અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના વિભાગનો પરિપત્ર

રાજયનાં તમામ એપીએલ કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કરવાનો અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબત વિભાગે પરીપત્ર જાહેર કર્યો છે. જેથી હવે ૧ જાન્યુઆરીથી માત્ર બીપીએલ કાર્ડધારકોને જ કેરોસીન મળશે. તમામ એપીએલ કાર્ડધારકોને નવા વર્ષથી કેરોસીન મળવાનું બંધ થઈ જશે.

પરીપત્રમાં જણાવ્યા મુજબ અંત્યોદય/ બીપીએલ કેરોસીન મળવાપાત્ર કુટુંબોને સબસીડીના ધોરણે ગેસ જોડાણ આપવા માટે વિભાગે તા.૨૬/૪/૨૦૧૮ના ઠરાવથી પીએનજી તથા એલપીજી સહાય યોજના તા.૧લી મે, ૨૦૧૮થી અમલમાં મુકેલ છે. આ યોજનાના પ્રથમ તબકકામાં રાજયની આઠ મહાનગરપાલિકા હેઠળનો શહેરી વિસ્તાર, જિલ્લાના મુખ્યમથક તથા સમગ્ર નવસારી જિલ્લાના બીપીએલ તથા અંત્યોદય કેરોસીન કાર્ડધારકોનો સમાવેશ કરવામાં આવેલ છે.

પીએનજી તથા એલપીજી સહાય યોજનાના બીજા તબકકામાં રાજયની તમામ નગરપાલિકાઓનો વિસ્તાર તેમજ દાહોદ અને નર્મદા જિલ્લાનો સંપૂર્ણ વિસ્તારનો સમાવેશ કરી વિસ્તારમાં બાકી રહેતા લાયક બીપીએલ કેરોસીનપાત્ર લાભાર્થીઓને આ યોજના હેઠળ એલપીજી તથા પીએનજી ગેસ જોડાણ આપવા અનુમતિ આપવામાં આવેલ છે. તદઉપરાંત પીએનજી માટે સમગ્ર ગુજરાત રાજયના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં બાકી રહેલા લાયક બીપીએલ કેરોસીન કાર્ડધારકોને આ યોજના હેઠળ પીએનજી ગેસ જોડાણ આપવા અનુમતિ આપવામાં આવેલ છે. ઉપર્યુકત અનુમતિ વિભાગના તા.૨/૧૧/૨૦૧૮ના ઠરાવથી આપવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત લાભાર્થીઓને પીએનજી તથા એલપીજી ગેસ જોડાણ જે તે ઓઈલ કંપની તથા પીએનજી કંપની દ્વારા છુટુ કરવામાં આવે તે માટે રાજય સરકાર દ્વારા સંબંધિત કંપનીન પ્રતિ જોડાણ રૂ.૧૬૦૦/-ના ચુકવણા કરવા માટેની કાર્યપઘ્ધતિ વિભાગના તા.૪/૫/૨૦૧૮ના ઠરાવથીનિયત કરવામાં આવેલ છે. એપીએલ કાર્ડધારકો પીએનજી તથા એલપીજી કનેકશન ન ધરાવતા હોય અને પીએનજી તથા એલપીજી કનેકશન સ્વખર્ચે મેળવી લે તે માટે પ્રથમ તબકકામાં એપીએલ કેટેગરીના કેરોસીન રેશનકાર્ડ ધારકોને રાજયની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૧/૯/૨૦૧૮ અને બીજા તબકકામાં તમામ જિલ્લા મુખ્ય મથકો વિસ્તારમાં એપીએલ કેરોસીન રેશનકાર્ડ ધારકોને તા.૧/૧૨/૨૦૧૮ થ પીડીએસ કેરોસીન આપવાનું બંધ કરવા નિર્ણય તા.૧૦/૫/૨૦૧૮ના સમાન ક્રમાંકના પરીપત્રથી લેવાયેલ હતો. ગુજરાત રાજયને કેરોસીન મુકત બનાવવાના અભિગમ ધ્યાને લઈને તા.૧/૧/૨૦૧૯ થી રાજયના બાકી વિસ્તારોમાં તમામ એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન બંધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

પુખ્ય વિચારણાના અંતે ગુજરાત રાજયને કેરોસીન મુકત બનાવવાના અભિગમ ધ્યાને લઈને હવે તા.૧/૧/૨૦૧૯ થી રાજયના બાકી વિસ્તારોમાં તમામ એપીએલ કાર્ડધારકોને પીડીએસ કેરોસીન વિતરણ બંધ કરવા નિર્ણય કરવામાં આવે છે. બીપીએલ અને એ.એ.વાય કાર્ડધારકોને કેરોસીન વિતરણ ચાલુ રહેશે. નવેમ્બર-ડીસેમ્બર ૨૦૧૮ની રીસીટમાં પણ આ નિર્ણયની જાણ તમામ એપીએલ કાર્ડ ધારકોને કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.