ધ્રાંગધ્રા, ભાવનગર, કોડીનાર, કલ્યાણપુર અને માંડવી સહિતનાં સ્થળેથી ૧૫ હજાર બોટલ પાંચ વાહનો મળી રૂ.૬૫.૬૨ લાખનો મુદામાલ કબ્જે : ત્રણ ફરાર
ગાંધી જયંતીના ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા ઘુસાડવાની પેરવી કરી રહયા હોવાની મળેલી બાતમીનાં આધારે ધ્રાંગધ્રા, ભાવનગર, કોડીનાર, કલ્યાણપુર અને માંડવી પંથકમાં પોલીસે દરોડા પાડી રૂ.૪૫ લાખની કિંમતનાં ૧૫ હજાર વિદેશી દારૂની બોટલો સાથે ૪ શખ્સોની ધરપકડ કરી બે ટ્રક, છોટા હાથી, બાઈક અને દારૂ મળી રૂા.૬૫.૬૨ લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છુટેલા ૩ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રા પંથકમાં વિદેશી દારૂનુ મોટાપાયે કટીંગ થતુ હોવાનુ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફને મળેલી બાતમીને આધારે સ્ટાફે રામપર ગામની સીમમાં દુર્ગા કવચ ખાતે વિદેશી દારૂનો કટીંગ વેળાએ સ્ટાફે દરોડો પાડી ટ્રક અને કારમાંથી રૂા.૧૧.૫૨ લાખની કિંમતની ૨૮૮૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો જીવા ગામનાં શિવરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ મંગાવ્યા હોવાનુ અને કારનાં ચાલક હરપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા સહિત બંને શખ્સોની શોધખોળ હાથ ધરી અને દારૂ અને બંને વાહનો મળી રૂા.૩૨.૫૨ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોડીનાર નજીક એલસીબીનાં સ્ટાફે વાહન ચેકીંગ દરમ્યાન જીજે૧૫એપી ૧૨૧૩ નંબરનાં ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં ચોરખાનુ બનાવી ૨૦૦ પેટી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લઈ ટ્રકનાં ચાલક અને કલીનરની અટકાયત કરી આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો અને કયાંથી આવ્યો તે બંનેની આકરી પુછપરછ હાથ ધરી છે.
માંડવી તાલુકાનાં ત્રગડી ગામે રહેતા યુવરાજસિંહ જાડેજાએ નાગજી મેઘજી ગોગારીનાં બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની સ્થાનીક પોલીસને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી રૂા.૮.૮૨ લાખની કિંમતનો ૨૫૨૦ બોટલ દારૂ કબ્જે કરી નાસી છુટેલા બુટલેગર યુવરાજસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે ભાવનગરનાં ઘોઘા રોડ જકાતનાકા શિવાજી સર્કલ નજીક રહેતા બકુલ હિંમત ચૌહાણ નામનો શખ્સ જીજે૪વી ૫૭૧૮ નંબરનાં છોટાહાથીમાં દેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બોળ તળાવ પોલીસ મથકને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે ધોબી સોસાયટી નાળા પાસે વોંચ દરમ્યાન નીકળેલા છોટાહાથીને અટકાવી તલાસી લેતા ૫૮૮ બોટલ દારૂ અને ૭૨ બીયરનાં ટીન સાથે બકુલ ચૌહાણની ધરપકડ કરી વાહનો અને દારૂ-બીયર મળી રૂા.૨.૯૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા જયેન્દ્રસિંહ ઉર્ફે લાલુ મનુભા જાડેજા નામનાં મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની મળેલી બાતમીનાં આધારે દરોડો પાડી રૂા.૩૧ હજારની કિંમતનાં ૭૭ બોટલ દારૂ સાથે જયેન્દ્રસિંહ ઉર્ફે લાલાની ધરપકડ કરી પોલીસે બાઈક અને મોબાઈલ અને દારૂ મળી રૂા.૬૬ હજારનો મુદામાલ કબ્જે કરી દારૂનાં મુળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.