તૌબા તૌબા… ગરમીએ માઝા મૂકી
ચીનમાં ગરમી 50 ડિગ્રીને પાર, ઈરાન એરપોર્ટ પર હીટ ઈન્ડેક્સ 66 ડિગ્રી
સમગ્ર વિશ્વમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. વિશ્વના જે દેશોનું તાપમાન અગાઉ એકદમ સામાન્ય રહેતું હતું ત્યાં હાલ તાપમાનનો પારો ઝડપથી ઊંચકાઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપ અગાઉ ઠંડા પ્રદેશ તરીકે ઓળખાતા હતા પણ હાલ ત્યાંનું તાપમાન લોકોને તૌબા તૌબા કરાવી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જની તીવ્ર અસર તળે વિશ્વભરમાં ભીષણ ગરમી જોવા મળી રહી છે. અમેરિકામાં ગરમીના રેકોર્ડ સતત તૂટી રહ્યા છે. કેલિફોર્નિયામાં પારો 53 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે તો કેટલાંક રાજ્યોમાં પૂરપ્રકોપ જોવા મળી રહ્યો છે
વિશ્વભરનું હવામાન વિચિત્ર દિશા બતાવી રહ્યું છે. એક બાજુ ભયંકર ગરમીનો પ્રકોપ છે તો બીજી બાજુ પૂરપ્રકોપ જોવા મળે છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં ગરમીના રેકોર્ડ સતત તૂટી રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં પૂરની ગંભીર સ્થિતિ જોવા મળે છે. બીજી બાજુ એશિયામાં ચીન અને ઈરાન પણ ગરમીના નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. ચીનમાં પણ હાલ ભયંકર ગરમી પડી રહી છે. ત્યાં જુલાઇમાં ગરમીનો નવો રેકોર્ડ સર્જાયો છે.
ઉત્તર-પશ્ચિમ ચીનમાં ગત વીકએન્ડમાં 52.2 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું, જે મિડ-જુલાઇમાં સર્વાધિક ગરમીનો રેકોર્ડ છે. શિન્જિઆંગના સાનબાઓ ગામમાં રવિવારે સાંજે 7 વાગ્યે 52.2 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. બીજી તરફ અસહ્ય ગરમીના પગલે વીજમાગમાં પણ તીવ્ર વધારો થયો છે. ચીનમાં એપ્રિલથી અસાધારણ ગરમીની સ્થિતિ છે. એપ્રિલથી જ તાપમાન સરેરાશથી વધુ રહ્યું છે જ્યારે જૂનમાં પણ ગરમીએ ઘણા રેકોર્ડ તોડયા હતા.
યુએસ સ્ટોર્મવોચના કોલિન મેક્કાર્થીના જણાવ્યા મુજબ ઇરાનના પર્શિયન ગલ્ફ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરે 12.30 વાગ્યે હીટ ઇન્ડેક્સ 66.7 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે મનુષ્યો અને પ્રાણીઓ માટે આ અસહ્ય સ્થિતિ છે. જોકે નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ડેટા મુજબ મેક્કાર્થીએ જણાવેલા સમયે પર્શિયન ગલ્ફ એરપોર્ટ પર તાપમાન 40 ડિગ્રી સે. હતું પરંતુ હવામાં 65 ટકા ભેજને કારણે 66.7 ડિગ્રી સે. જેટલી ગરમી અનુભવાઇ હતી.
વિશ્વના સૌથી ગરમ સ્થળોમાં સ્થાન ધરાવતા કેલિફોર્નિયાના ડેથ વેલીમાં તાપમાનનો પારો 53 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. પૃથ્વી પર અત્યાર સુધીનું સર્વાધિક 56.7 ડિગ્રી સે. તાપમાન પણ ફર્નેસ ક્રીકમાં 10 જુલાઇ, 1913ના રોજ નોંધાયું હતું. કેલિફોર્નિયાથી ફ્લોરિડા સુધી સમગ્ર દ. અમેરિકામાં ગરમીના રેકોર્ડ તૂટી રહ્યા છે.”