કોંગ્રેસના દાવા મુજબ ભાજપમાંથી કોઈ ક્રોસ વોટીંગ ન થતા અને બીટીપીના બે ધારાસભ્યોએ મતદાન ન કરતા કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને હરાવી ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનનો વિજય
કોંગ્રેસમાં દાયકાઓની આંતરિક જુથબંધી ચાલી રહી છે. જેના કારણે સમયાંતરે અને ખાસ કરીને ચૂંટણી સમયે ઉભા થતા આંતરિક ડખ્ખાનો લાભ ભાજપ સહિતના પક્ષો લેતા રહ્યા છે. રાજયસભાની ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થતા જ કોંગ્રેસમાં ઉમેદવાર મુદે ડખ્ખા ઉભા થઈ ગયા હતા આ ડખ્ખાનો લાભ લેવા ભાજપે બે ઉમેદવાર જીતી શકે તેમ હોવા છતાં ત્રણ ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જે બાદ કોંગ્રેસના આંતરિક ડખ્ખાથી આઠ ધારાસભ્યોના રાજીનામા પડયા હતા. જેથી ભાજપના ત્રણેય ઉમેદવારોના વિજય નિશ્ર્ચિત મનાતો હતો. કોંગ્રેસનો લાભ ખાટવાની વૃત્તિથી બીટીપીના પિતા-પુત્ર ધારાસભ્એ મતદાન ન કરતા ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય આસાન બન્યો હતો. પરિણામ રોકવાના કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ ચૂંટણી પછી ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ભાજપના જયારે એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટાયેલા જાહેર કર્યા હતા.
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલો રસાકસીભર્યો ચૂંટણી જંગ પૂર્ણ થયા પછી પરિણામ પૂર્વે લાંબી ખેંચતાણ ચાલી હતી અને તેમાં આખરે ભાજપને સરસાઈ મળી હતી. મતદાન પૂર્ણ થયા પછી મતગણના શ થવા સમયે પણ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીનાં મત સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે પંચે કોંગ્રેસની આ ફરિયાદ ફગાવી દીધી હતી કે, આ વાંધો મતદાન સમયે ઉઠાવવાની આવશ્યકતા હતી. મત ગણતરી સમયે નહીં. જેથી ભાજપને ૩ અને કોંગ્રેસને ૧ બેઠક નિશ્ચિત બની હતી.
વિધાનસભામાં હાલ ૧૭૨ ધારાસભ્યોમાંથી ૧૭૦ ધારાસભ્યોએ મતદાન કર્યુ હતું. જ્યારે બીટીપીના બે ધારાસભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાનથી દૂર રહ્યા હતા. જો કે આ બંને ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરફી મતદાન કરવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમજાવટ કરી ચૂક્યા હતા પણ આખરે બન્નેએ મતદાનથી અળગા રહીને ભાજપને જ આડકતરી રીતે મદદ કરી હતી.
ભાજપના ૧૦૩ ધારાસભ્યોએ પાર્ટીના વ્હીપ મુજબ મતદાન કર્યુ હતું. તો એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપ તરફી મતદાન કર્યુ હતું. જ્યારે કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો પૈકી મોવડી મંડળે નક્કી કરેલા ૩૫ ધારાસભ્યોએ શક્તિસિંહ ગોહિલ અને બાકીના ૩૦ ધારાસભ્યોએ ભરતસિંહ સોલંકીને મત આપ્યો હતો. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસ તરફી મતદાન કર્યુ હતુ. આમ, બીટીપીના મત વિના પણ ભાજપના ત્રણેય ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન વિજયી બન્યા હતા. જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. કોંગ્રેસના બીજા ક્રમાંકના ઉમેદવાર ભરતસિંહ સોલંકીની હાર થતા તેમના તરફી ટેકેદારોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે.
શિક્ષાણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વિધાનસભામાં જીત અંગેનો કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલુ હોવાથી સબજ્યુડીસના કારણે તેમનો મત અલગ રાખવા માટેની કોંગ્રેસે માંગણી કરી હતી. જ્યારે ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને શંભુજી ઠાકોર બંને સ્વસ્થ્ય હોવા છતાં પોતાને અનફીટ ગણાવી તેઓએ પ્રોક્સી વોટનો ઉપયોગ કર્યો છે. વળી, પ્રોક્સી વોટ માટે ત્રણ દિવસ પહેલા મંજુરી લેવાની જોગવાઇ છે આમ છતાં રાતોરાત મંજુરી મેળવી લેવાઇ છે. જેને અયોગ્ય ગણાવીને કોંગ્રેસે તેનાં મત રદ કરવા માગણી કરી હતી. કોંગ્રેસના વાંધાના કારણે સમયસર મતગણતરી શરૂ થઇ શકી ન હતી. રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર અહેવાલ કેન્દ્રિય ચૂંટણી પંચને મોકલીને માર્ગદર્શન માંગ્યું હતું. કેન્દ્રીય પંચે કોંગ્રેસનો વાંધો ફગાવ્યા પછી મતગણતરી શરૂ થઈ હતી.
તે પહેલા હુકમનો એક્કો ગણાતા બીટીપીના બે મત મેળવવા ભાજપ-કોંગ્રેસમાં ખેંચતાણ થઇ હતી. આખરી સમયે ભાજપને બીટીપીના બે મત વગર પણ ત્રણેય ઉમેદવારની જીતનો અંદાજ આવ્યા બાદ બીટીપીના ધારાસભ્યોએ કોઇપણ પક્ષને મતદાન નહીં કરવાનું જાહેર કર્યુ હતું. આમ ભાજપની રણનીતિ સફળ રહી હતી અને ત્રણેય બેઠકો પર કબજો જમાવ્યો હતો. કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગના થવાનાં દાવાઓ વચ્ચે એકપણ ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યુ ન હતું.
વસાવા પિતા-પુત્રે નરહરિના ‘વિજય’ને સરળ બનાવ્યો
દક્ષિણ ગુજરાતનાં આદિવાસી વિસ્તારમાં ભારે વર્ચસ્વ ધરાવતા ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને તેના ધારાસભ્ય પુત્ર મહેશ વસાવાએ ગઈકાલે યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં મતદાન કર્યું નહતુ. જેના કારણે વિધાનસભામાં હાલ ૧૭૨ ધારાસભ્યોમાંથી ૧૭૦ મતો જ પડતા ઉમેદવારોના વિજય માટે જરી મતોની સંખ્યા ઘટી જવા પામી હતી. જેના કારણે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને ૩૪ એકડા મતો જયારે કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને ૩૧ એકડા મતો મળ્યા હતા બીટીપીના બે મતો કોંગ્રેસને મળવાના દાવો કોંગ્રેસી આગેવાનો કરતા આવ્યા હતા આ બંને પિતા-પુત્રએ મતદાન કર્યું હોય તો રસાકસી વધવાની સંભાવના હતી. પરંતુ બંનેએ મતદાનની છેલ્લી અડધી કલાકમાં તેઓ ભાજપ કોંગ્રેસ બંનેથી નારાજ હોવાનું જાહેર કરીને મતદાનથી વિમુખ રહેવાની જાહેરાત કરી હતી તેમના આ નિર્ણયથી ભાજપને સીધો ફાયદો થયો હતો. અને ભાજપના નરહરિ વિજય માર્ગ સરળ બની ગયો હતો.