થર્ટીફસ્ટને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બુટલેગરો મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવાના કાળા કારોબાર પર પોલીસે ચાંપતી નજર રાખવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટ-ચોટીલા માર્ગ પર આવેલા બામણબોર નજીકથી ટેન્કરના ચોરખાનામાં છુપાવેલો રૂ. 40.69 લાખની કિંમતનો 8856 બોટલ વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી શરાબ અને વાહન મળી રૂ. 50.89 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાથમિક પુછપરછમાં જામનગરના બુટલેગરે મંગાવ્યાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી ટેન્કરમાં છુપાવેલો 8856 બોટલ શરાબ મળી રૂ. 50.89 લાખનો મુદામાલ કબ્જે કર્યો
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં દારૂ બંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આપેલી સુચનાને પગલે ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વાય.બી. જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ ત્યારે વડોદરા પાસીંગના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યાની મળેલી બાતમીનાં આધારે પીએસઆઈ કે.ડી. જાડેજા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે બામણબોર ચેક પોસ્ટ પાસે વોંચ ગોઠવી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવતા ટેન્કરને અટકાવી તલાશી લેતા જેમાં ટેન્કરમાં ચોરખાનું બનાવી છુપાવેલો રૂ. 40.69 લાખની કિંમતનો 8856 બોટલ વિદેશી દારૂ સાથે ટેન્કરનો ચાલક રાજસ્થાનનો સાંચોરનો મંગળારામ ધનારામ ગોદારાની ધરપકડ કરી શરાબ અને વાહન મળી રૂ. 50.89 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા મંગળરામ ગોદારની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો જામનગરના બુટલેગરે મંગાવ્યો હોવાની કબુલાત આપતા મોબાઈલ ફોનના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.