95 ટકા શિક્ષકો વેકસીનના બન્ને ડોઝથી સજ્જ : 5 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાની તમામ સ્વનિર્ભર શાળાનો સ્ટાફ વેકસીન મેળવી લેશે
અબતક, જામનગર
કોરોનાના કેસો ઘટતા જ રાજ્ય સરકાર દ્વારા 2 સપ્ટેમ્બરથી ધો.6થી ધો.8ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની મંજુરી આપી છે. જન્માષ્ટમીની રજા બાદ રાજ્યભરમાં ધો.6થી 8ના વિદ્યાર્થીઓને ઓફલાઇન શરૂ કરવામાં આવશે જેને પગલે જામનગર જિલ્લામાં ધો.6થી 8ની 657 શાળાઓ આવેલી છે. જેમાં અંદાજે 27000 જેટલા વિદ્યાર્થીઓ 2જી સપ્ટેમ્બરથી સ્કૂલે જઇને અભ્યાસ કરી શકશે.આ માટે થઇને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. દવે દ્વારા ઓફલાઇન શિક્ષણ આપવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યુ હતું કે, 5 સપ્ટેમ્બર સુધીમાં તમામ શાળાઓના શિક્ષકો સહિતનો સ્ટાફ પ્રથમ વેકસીનનો ડોઝ મેળવી લેશે. આ ઉપરાંત કલાસરૂમોને સેનીટાઇર્ઝેશન કરી દેવાશે.જિલ્લા પંચાયતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. દવેએ 2જી સપ્ટેમ્બરથી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધો.6થી 8ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તો બે સિફટમાં શાળા ચાલુ રાખવાની સુચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત તાલુકા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી શાળામાં સેનીટાઇર્ઝેશન કરાવી લેવામાં આવશે. શાળાએ આવતા તમામ બાળકો માસ્ક પહેરીને આવશે. શાળાઓમાં 50 ટકાની કેપેસીટી સાથે બોલાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ નાસ્તાની આપ-લે નહીં કરી શકે, વિદ્યાર્થીઓએ પાણીની બોટલ ઘરેથી લઇ આવવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ દવેએ વિશેષમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત હસ્તકની 657 પ્રાથમિક શાળાઓમાં ધો.6થી 8 વર્ગ આવેલા છે. જેમાં અંદાજે 27000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટન્ટસની અમલવારી ખાસ રાખવામાં આવશે. તેમજ આગામી તા.8 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓનો તમામ સ્ટાફ પ્રથમ વેકસીનનો ડોઝ મેળવી લેશે. જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાનો 95 ટકા શાળાના સ્ટાફે વેકસીનનો ડોઝ મેળવી લીધા છે. મહત્વની વાત એ છે કે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવાને લઇને એક મીટીંગ પણ સંકલન માટે યોજાઇ હતી. અને જિલ્લા વિકાસ અધિકારીની સુચના સાથે કોરોનાની ગાઇડ લાઇન ચુસ્ત અમલવારી વચ્ચે આગામી તા.2 સપ્ટેમ્બરથી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ધો.6થી 8માં 27000 વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ ભણાવવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. દવેએ જણાવ્યું હતું.