તબીબી ઉપકરણોને જોખમીથી માંડી અતિ જોખમી જેવા ચાર જૂથમાં વર્ગીકૃત કરાયા

ભારતને ફાર્મા હબ બનાવવા માટે સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે. હાલ ભારતનું મેડિકલ ડિવાઇસ સેક્ટરની માર્કેટ અંદાજિત રૂ. 90 હજાર કરોડનું છે. ત્યારે ભારતના તમામ મેડિકલ ડિવાઇસની ગુણવતા જાળવી રાખવા આગામી 1 ઓક્ટોબરથી મેડિકલ ડિવાઇસની ચારેય કેટેગરીની ચકાસણી કરવામાં આવનાર છે.

તમામ ચાર કેટેગરીના તબીબી ઉપકરણો (એ, બી, સી, ડી)ને 1 ઓક્ટોબર સુધીમાં નિયમન હેઠળ લાવવામાં આવશે. હાલમાં ફક્ત બે જૂથો (એ અને બી)ને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) રાજીવ સિંઘ રઘુવંશીએ બુધવારે જણાવ્યું હતું. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (ફાર્મેક્સિલ) દ્વારા આયોજિત 9મા ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ એક્ઝિબિશન (આઈફેક્સ)માં પત્રકારો સાથે વાત કરતાં રઘુવંશીએ જણાવ્યું હતું કે નિયમો તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં ગુણવત્તાની ખાતરી કરવામાં આવનાર છે.

રઘુવંશીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઉપકરણોમાં ચાર જૂથોમાં વર્ગીકૃત કરી રહ્યા છીએ. બે જૂથો (એ અને બી) પહેલેથી જ સૂચિત છે. સી અને ડી બાકી છે જે 1 ઓક્ટોબરથી લાગુ થશે.

કેન્દ્રીય કેબિનેટે 26 એપ્રિલે રાષ્ટ્રીય તબીબી ઉપકરણો નીતિ, 2023ને ગુણવત્તા નિયંત્રણો સાથેના ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મંજૂરી આપી હતી. 2020માં ભારતમાં મેડિકલ ડિવાઈસ સેક્ટરનું માર્કેટ સાઈઝ 11 બિલિયન ડોલર (અંદાજે રૂ. 90,000 કરોડ) હોવાનો અંદાજ છે અને વૈશ્વિક મેડિકલ ડિવાઈસ માર્કેટમાં તેનો હિસ્સો 1.5 ટકા હોવાનો અંદાજ છે, તેવું એક સત્તાવાર રીલીઝમાં અગાઉ જણાવાયું હતું.

અગાઉ આઈફેક્સના ઉદઘાટન સત્ર દરમિયાન ફાર્મેક્સિલના ચેરમેન એસ વી વીરમણિએ હાઇલાઇટ કર્યું હતું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે વિશ્વના 200 દેશો સુધી પહોંચવામાં એક અનોખી વિશિષ્ટતા હાંસલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 23 માં ભારતીય ફાર્મા નિકાસ 25.39 બિલિયન ડોલર પર આંકવામાં આવી હતી અને ચાલુ વર્ષ માટે 28 બિલિયન યુએસ ડોલરનો લક્ષ્યાંક છે.

ફાર્મેક્સિલના ડાયરેક્ટર જનરલ રવિ ઉદય ભાસ્કરે જણાવ્યું હતું કે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે લગભગ 200 દેશોમાં ગુણવત્તાયુક્ત, સસ્તું જેનરિક દવાઓના સપ્લાય દ્વારા આરોગ્ય સંભાળમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને તેને ’વિશ્વની ફાર્મસી’ તરીકે ઓળખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.