રાજયમાં કોંગ્રેસનો પુન: પગદંડો જમાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ અમિત ચાવડાએ તા.૧૨મી એપ્રિલથી સતત બે માસ ચાલનાર બુથ ચાલો અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં તાલુકાથી રાજય સ્તર સુધી કોંગ્રેસ પક્ષને પુન: ધમધમતો કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બુથ ચાલો અભિયાનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બુથ ચાલો અભિયાન હેઠળ ૧૨મી એપ્રિલથીકોંગ્રેસના ૪૫૦૦૦ કાર્યકર્તાઓ દરેક મતદાન મથકને આવરી લઈ સતત બે માસ સુધી કાર્યકર્તાઓની નવી ફોજ ઉભી કરશે. બુથ ચાલો કાર્યક્રમ હેઠળ એક પુરુષ અને એક સ્ત્રી કાર્યકરની નિમણુક કરવામાં આવશે. જે સ્થાનિક સમસ્યાઓ મુદ્દે સ્થાનિક લોકોનો સંપર્ક કરી કોંગ્રેસના માળખાને મજબુત બનાવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત જ પત્રકાર પરિષદને સંબોધતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અંબાજીથી અમારા બુથ ચાલો અભિયાન શરૂ કરશે અને દરરોજ પોતે અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જિલ્લાઓમાં લોક સંપર્ક કરી સમસ્યાઓ સાંભળી જિલ્લાનાં કોંગ્રેસ માળખા સાથે વિવાદ-વિમર્શ કરશે.
વધુમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્વિકાર્યું હતું કે, શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ નબળી પડે છે જેથી આગામી સમયમાં શહેરી વિસ્તાર અને ખાસ કરીને કોર્પોરેશન એરિયામાં કોંગ્રેસને મજબુત કરવા અલાયદો અર્બન સેલ ઉભો કરવાની સાથે પાર્ટીને મજબુત કરવા ચિંતન શિબિર યોજી ૨૦૨૦માં તમામ કોર્પોરેશનો કબજે કરવા રણનીતિ ઘડવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
આ તકે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા નર્મદા ડેમ માટે મેઘા પાટેકર જેવા વિરોધીઓનો વિરોધ કર્યો છે. હકિકતમાં મધ્યપ્રદેશની ભાજપ સરકારે નર્મદા વિસ્થાપિતોને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સ્થાપિત કરવામાં વિલંબ કરતા નર્મદા યોજનાની ઉંચાઈ વધારવામાં પ્રશ્ર્નો સર્જાયા હતા. કોંગ્રેસને કારણે આમ છતાં ભાજપ લોકોને ગુમરાહ કરવા કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરી રહ્યું છે.