વિશ્વ મૈત્રી દિવસ

મિત્રતામાં રડવું – ઝઘડવું, રીસાવવું, મનાવવું અને મીઠી તકરારોની સુંદર અને અવીસ્મરણ્ય યાદ

કુદરતે આપણને આપેલા સંબંધો લોહીના સંબંધ છે, પરંતુ મિત્ર એ આપણી પોતાની શોધ છે અને તે લાગણીનો સંબંધ છે. ઘણી વખત લોહીના સંબંધ આગળ લાગણીનો સંબંધ વધારે પરિપક્વ લાગે છે.

અત્યારે બે ભાઈઓ કરતાં વધારે બે મિત્રોના સંબંધ ગાઢ હોય છે, તે સંબંધ નિભાવવા માટે બંને પક્ષે ઘણો બધો ભોગ આપવો પડે છે. આમ જોઈએ તો દોસ્તી ક્યારેય કશું માંગતી નથી તે તો ફક્ત આપવામાં જ માને છે. દોસ્તીનો “ધર્મ” ત્યાગ છે અને કોઈપણ સંજોગોમાં દોસ્ત ની મદદ કરવાની તૈયારી છે.મિત્ર જ્યારે ખુશ હોય ત્યારે તેની ખુશી આપણા માટે ખુશીઓનો મહા ઉત્સવ બની જાય છે. મિત્રની ઉદાસી અને તેની આંખનું એક આંસુ આપણને અસહ્ય પીડા આપી જાય છે. એ આપણને કે આપણે એને ક્યારેય દુ:ખી જોઈ શકતા નથી.

“દોસ્તી” એ એક એવો વિશ્વાસ છે જે ક્યારેય તૂટતો નથી. બે મિત્રો જ્યારે પોતાના વિશ્વાસ ને એકબીજાના શ્વાસોશ્વાસમાં વાવે છે ત્યારે જ સાચી દોસ્તી જન્મ લે છે. અને આ દોસ્તી વસંત ઋતુની જેમ હંમેશા ખીલેલી અને મહેકતી જ હોય છે. દોસ્તીમાં અમીરી – ગરીબી કે ઊંચ નીચ નાં કોઈ ભેદભાવ હોતા નથી. મિત્રતામાં રડવું – ઝઘડવું, રીસાવવું – મનાવવું અને મીઠી તકરારો ચાલતી જ હોય છે. આ જ તો જિંદગીની એક સુંદર અને અવીસ્મરણ્ય યાદ છે! જે આપણા મનના એક ખૂણામાં જીવનના અંત સમય સુધી સચવાઈને રહે છે.

આપણી પાસે બીજું કંઈ ભલે ન હોય પરંતુ જો સાચો મિત્ર હોય તો આપણે દુનિયાના સૌથી વધુ ધનવાન છીએ. કારણ કે દોસ્તી અમૂલ્ય છે, તેના જેવું કિંમતી આ દુનિયામાં બીજું કાંઈ નથી. જેમની પાસે યાદ કરવા જેવા દોસ્ત નથી એ માણસનું જીવન સાવ નિરર્થક છે, વેરાન રણ જેવું છે. સાચી દોસ્તી તો ભાગ્યશાળીને જ મળે છે. મિત્રનો પ્રેમ એ એવો દિવસ છે કે જેની કોઈ રાત નથી. કોઈપણ સ્વાર્થ કે ધ્યેય વિના મિત્ર સાથે ગાળેલી પ્રત્યેક પળોનો આનંદ અપૂર્વ હોય છે. મિત્રને મળવાનું હોય ત્યારે શું વાતો કરીશું? કેવી વાતો કરીશું? એના લેખા જોખા ક્યારેય નથી હોતા.

ગાઢ મિત્રતા એ એક સાગર જેવી છે, કે જેની ગહેરાઈ નું કોઈ માપ નથી. મિત્ર એ એક એવી વ્યક્તિ છે કે જેના પડછાયામાં આપણે સંપૂર્ણ સલામતી અનુભવીએ છીએ. જેની પાસે આપણે હૃદયના દ્વાર ખોલી શકીએ છીએ. મિત્ર એ “ઘટાટોપ વડલો” છે, જે ધોમધખતા તાપમાં પણ આપણને શીતળ છાયડાં નો અહેસાસ કરાવે છે.

મિત્ર આપણા દરેક સુખ દુ:ખ નો સાચો સાથી હોય છે. આપણી લાગણીઓનો તંતુ હંમેશા તેની સાથે જોડાયેલો હોય છે.મિત્ર હજારો માઈલ દૂર હોવા છતા તેની મિત્રતા આપણી પાસે જ હોય છે. દૂર જવાથી દોસ્તીનો દોર તૂટતો નથી, ઉલટાનો વધુ મજબૂત થાય છે. શ્રીકૃષ્ણ – સુદામા ની દોસ્તી, કર્ણ – દુર્યોધન ની દોસ્તી આવી અનેક દોસ્તી ઈતિહાસ નાં પાનાઓ પર સુવર્ણ અક્ષરે મઢાયેલી છે. દોસ્તીના સંબંધમાં રૂપ, રંગ કે વર્ણ જોવાતો નથી. તે સૂક્ષ્મ છે છતાં વિરાટ છે. જે જોઈ શકાય નહિ પણ અનુભવી શકાય તે છે દોસ્તી…

શું તમારી પાસે દોસ્તી નો આવો વૈભવ છે ખરો? જો હોય તો તેને બરાબર સંભાળીને રાખજો. દોસ્તી કરવી સહેલી છે પણ તેને નિભાવવી ખૂબ મુશ્કેલ છે. મિત્ર રૂપી પતંગમાં, વિશ્વાસના કાનસ બાંધીને, લાગણી રૂપી દોરની ઢીલ મૂકીને, મુક્ત ગગનમાં ઉડાડવાથી તે ખૂબ ઊંચી ચડશે અને તેને કોઈ થપાટ પણ પાડી શકશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.