માનવી તેની સંસારયાત્રામાં પશુ-પક્ષીઓ સાથે કુદરત અને માનવ સાથેના ઉત્કૃષ્ટ સંબંધો નિભાવી જીવન જીવે છે, ‘મૈત્રી’ના રસાયણમાં હજારો કિલોમીટરની દૂરી ઓગળી જાય છે
દોસ્તીની કોઇ વ્યાખ્યા હોતી નથી. મિત્રતા એ તમામ સંબંધો કરતા કંઇક અનોખો સંબંધ છે. ભગવાન લોહીનો સંબંધ બનાવતા ભૂલી ગયો ત્યારે એક મિત્ર બનાવી માણસને સહારો આપ્યો છે.
આગામી ઓગષ્ટ માસના પ્રથમ રવિવારે ફેન્ડશીપ ડે આવી રહ્યો છે. આ દિવસે મિત્રના હાથે માત્ર બેલ્ટ બાંધી દિવસ ઉજવાતો નથી પણ આખી જિંદગી સુખ દુ:ખનો હિસ્સો બનવા અડીખમ રહેવાનું કામ માત્ર એક સાચો દોસ્ત કહે છે.
આવા સાચી દોસ્તનું ઋણ ચુકવવા દર વર્ષે ફેન્ડશીપ ડે ઉજવાઇ છે. ઘણા લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે ફેન્ડશીપ ડે ની ઉજવણી પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે. અને ફેન્ડશીપ બેલ્ટના ખોટા ખર્ચા કરી દેખાદેખી કરવામાં આવે છે. પરંતુ આ વાત થોડાઘણા અંશે ખોટી છે. આપણી સંસ્કૃતિમાં પણ મિત્ર, અને મિત્રતાનું ઋણ ચુકવવાનું મુલ્ય છે. સતયુગમાં કૃષ્ણ-સુદામાની મિત્રતા સૌ કોઇને અભિભૂત કરે છે જયારે સુદામા ભગવાન કૃષ્ણની નગરી દ્વારીકામાં જઇ ભગવાનને પોતાના હાથે ગરીબના તાંદુલ ખવડાવે છે. ત્યારે સુદામાની જાણે ભવોભવની ગરીબી દૂર થાય છે.
આજના આધુનિક યુગની ર૧મી સદીની વાત કરીએ તો આજે ફેસ ટુ ફેસ ફેન્ડને બદલે ફેસબુક ફેન્ડની બોલબાલા વધી છે. મિત્ર સાથે દરેક નાના મોટા તહેવારોની શુભેચ્છાની આપ-લે, મિત્રના સારા નરસાં પ્રસંગોની જાણ વ્યકિતને આજે સોશ્યલ મિડિયા થકી થાય છે. એટલે કે આજે મિત્રતાના સંબંધમાં દરેકના જીવનમાં મિત્રો ઘણા છે.
પરંતુ ખરા સમયે ઉભા રહી સાથ આપે તેવી મિત્રો બહુ ઓછા છે.
ખરા અર્થમાં દોસ્તી માત્ર એક દિવસની નહિ પરંતુ દોસ્તીના તો દાયકાઓ હોય છે. દરેક વ્યકિતના જીવનમાં એક સાચો મિત્ર હોય તો તે જીવન નૈયા સરળતાથી પાર ઉતરી શકે છે.
આ તો વાત થઇ એક વ્યકિત બીજી વ્યકિતની દોસ્ત હોવાની પરંતુ મિત્રતા પશુ-પક્ષીઓ સાથે પણ હોય છે. અબોલ જીવો, વાણીથી નહિ પરંતુ હાવભાવથી મિત્રતા પ્રદર્શિત કરતા હોય છે. રાજકોટના ઘણા એવા લોકો જે નિ:સ્વાર્થ ભાવે પશુ-પક્ષીઓ સાથે નાતો ધરાવે છે. તેથી ખરાદિલથી સેવા સુશ્રુષા કરે છે. શહેરના એવા જ એક ડો. મનોજ જોશી જેઓ વાગુદળ વિલેજ નજીક પોતાના સુંદર ફાર્મ હાઉસમાં ચાર ગાયોની સેવા કરે છે. જેમાં એક નંદી પણ છે.
છેલ્લા આઠ વર્ષથી તેઓ ગાયો પાળી તેનીસાથે અદભુત નાતો ધરાવે છે. ગાયોની સેવા ચાકરી માટે તેઓએ ખાસ એક કપલને નોકરીએ રાખ્યા છે તેઓ સવાર-સાંજ ગાયોનું જતન કરે છે.
ગાયોનું દુધ પણ જરૂરત મંદોને આપવામાં આવે છે આ ઉપરાંત એક ચબુતરો પણ તેઓએ બનાવ્યો છે જયાં હજારો ચકલીઓ, પોપટ, કબૂતર ચણવા આવે છે પક્ષીઓને નિયમિત કાંગ નાખવામાં આવે છે.
ડો. મનોષ જોષી પશુ-પક્ષીઓની અચુક દેખભાળ રાખે છે. તદ્દન નિ:સ્વાર્થ ભાવે આ સેવા કરતા ડો. જોશી સાથે પશુ-પક્ષીઓનો અતૂટ નાતો બંધાયો છે.
યે દોસ્તી… ફેન્ડશીપ બેલ્ટમાં કપલ બેલ્ટનું નવું નજરાણુ
ફેન્ડશીપ ડે નો ઉત્સાહ યુવાઓમાં વધારે રહ્યો છે. ખાસ કરીને આ દિવસે કોલેજીયન છોકરાઓ તેમના ભાઇબંધો અને છોકરીઓ તેમની સખીઓના કાંડે બેલ્ટ બાંધી મિત્રતા દિવસની ઉજવણી કરે છે ત્યારે ફેન્ડશીપ બેલ્ટની વાત કરીએ તો આ વર્ષે કપલ બેલ્ટ યુવાઓનું નવું નઝરાણું બનશે. મિત્રને કાંડે બેલ્ટ બાંધવા માટે કોમ્બોમાં લોકેટ, કિચનની અવનવી વેરાયટીઓ , લેઝરની વેરાયટીઓ તેમજ યુવાઓ ૩૬૫ દિવસ બાંધી શકે તેવા બેલ્ટ આ વર્ષે બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત લોક એન્ડ કી બેલ્ટ, કિચન, પારાવાળા બેલ્ટ ગિફટ શોપમાં ઉપલબ્ધ છે. મિત્રને બેલ્ટ ઉપરાંત ગિફટ કે કાર્ડ આપવા પણ અવનવી વેરાયટીઓ યુવાઓને આકર્ષિત કરે તેવી છે. ફેન્ડશીપ ડે નાનાથી લઇ બુઝર્ગો સુધીના તમામ ઉજવતા હોય છે. નાના ભુલકાઓ દાદા-દાદી, નાના-નાની ને ફેન્ડ ફેન્ડ માની તેઓના કાંડે પણ બેલ્ટ બાંધી આનંદ અનુભવે છે. જોહર કાર્ડમાં રૂ. પ થી લઇ પ૦ સુધીના આવા બેલ્ટ ઉપલબ્ધ છે.