શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં લોકોને ઉંધીયુ-ઓળાની મજા માણવાની મોજ
ડિસેમ્બરની આ ફુલગુલાબી ઠંડી વચ્ચે ઝાલાવાડની શાક માર્કેટમાં વિવિધ જાતનાં શિયાળુ શાકભાજીની ધુમ આવક થઈ રહી છે. સુરેન્દ્રનગરના મેઈન રોડ ઉપર આવેલ શાક માર્કેટ, મેઈન રોડ ઉપરની લારીઓ, દિપુભાના ચોક પાસે અને મેળાના મેદાનમાં આવેલ શાક માર્કેટ, શેરી-સોસાયટીઓમાં નીકળતા લારીઓમાં તાજા શાકભાજી વેચાતા જોવા મળે છે. આ લીલા અને તાજા શાકભાજી શિયાળામાં તંદુરસ્તી વધારવા, શરીરને સ્ફુર્તીલુ બનાવવા ખુબ જ ઉપયોગી થતા હોય છે.
હાલમાં સુરેન્દ્રનગરની છુટક બજારમાં લીલી મેથી, કોબીજ, ફુલાવર, લીલા વટાણા, વાલોળ, સુરતી ટીંડોળા, લીલી તુવેર, શિયાળુ રીંગણા, લીલા ચણા, લીલીછમ્મ પાલક, ગાજર, વઢવાણી મરચા, દેશી ટામેટા, લીલી ડુંગળી, લીલુ લસણ, લીલી હળદર, બીટ સહીતની વિવિધ પ્રકારની શાકભાજી મળી રહી છે. જે ખાવાથી શિયાળામાં હુંફ મળે છે, શારીરીક તંદુરસ્તીમાં ફાયદો થાય છે. શિયાળાની આ સિઝનમાં જુદા જુદા શાકભાજી નાંખીને બનાવવામાં આવતું ઉંધીયુ, લીલા ચણાનું શાક, રીંગણાનો ઓળો વિગેરે ખાવાની મજા પડી જતી હોય છે.
હાલમાં બજારમાં લીલી મેથી રૂા.40 થી 60ની કિલો, કોબીજ રૂા.10 થી 20, ફુલાવર રૂા.20 થી 30, વઢવાણી મરચા રૂા.60 થી 80, લીલા વટાણા રૂા.50 થી 60, વાલોળ રૂા.60 થી 70, સુરતી ટીંડોળા રૂા.60 થી 70, લીલા તુવેર 40 થી 50, રીંગણ રૂા.20 થી 30, ઓળાના રીંગણા રૂા.40 થી 50, લીલા ચણા રૂા.70 થી 100, પાલક રૂા.20 થી 30, દેશી ગાજર રૂા.40 થી 50, દેશી ટામેટા રૂા.30 થી 40, લીલી ડુંગળી રૂા.30 થી 40, લીલુ લસણ રૂા.80 થી 100 કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
લીલા તાજા અને સસ્તા શાકભાજી મળતા હોવાથી ગૃહિણીઓ ખુશખુશાલ છે. રસોડામાં દરરોજ નીતનવી વાનગી બની રહી છે. રાત્રિ ખાણી પીણી બજારમાં પણ લીલા ચણાનું શાક, રીંગણનો ઓળો, બાજરીનાં રોટલા, લીલી હળદરનું શાક, વિગેરેની માંગ વધી છે. અને આ દેશી ખાણાની બજાર પણ ધમધમી રહી છે. ખાસ કરીને મોટાભાગનાં ઘરોમાં હાલ શિયાળુ શાકભાજીનો સારો એવો ઉપયોગ થઈ રહ્યો છે જોકે અમુક શાકભાજી મોંધા પણ છે પરંતુ મોટાભાગનાં શાકભાજી સસ્તા થતા ગૃહિણીઓમાં રાહત જોવા મળી રહી છે.