Abtak Media Google News

છેલ્લા એક મહિનામાં કોર્પોરેશનના કોલ સેન્ટરમાં અલગ-અલગ વિભાગોને લગતી 35,397 ફરિયાદો નોંધાઇ: ડ્રેનેજની 21,280 ફરિયાદ, રોશનીમાં પણ અંધારા, અનિયમિત સફાઇ અને પાણીના ધાંધીયાથી લોકો ત્રાહિમામ

રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી રાજકોટ મહાનગરપાલિકાના શિરે મુખ્ય જવાબદારી લાઇટ, પાણી, ડ્રેનેજ અને સફાઇની છે. જેમાં પણ મોટી કચાશ જોવા મળી રહી છે. શહેરીજનોએ રોજબરોજની ફરિયાદો માટે કોર્પોરેશન કચેરી સુધી ધક્કો ખાવો ન પડે તે માટે કોલ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. માર્ચ માસમાં કોલ સેન્ટરમાં 35,397 ફરિયાદો નોંધાઇ છે. જેમાં ડ્રેનેજ, લાઇટ, પાણી અને ગંદકીની ફરિયાદોનો રિતસર ધોધ છૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે.

કોલ સેન્ટરમાં એક માસમાં ડ્રેનેજની સૌથી વધુ 21,280 ફરિયાદો નોંધાઇ છે. જેમાં ડ્રેનેજના ગંધાતા પાણી રોડ પર વહેતા હોવાની 10,416 ફરિયાદ, ડ્રેનેજ લાઇન ચોકઅપ થઇ ગઇ હોવાની 8,140 ફરિયાદ, ડ્રેનેજનો કચરો રોડ પડ્યો હોવાની 518 ફરિયાદ અને નિયત સમય મર્યાદામાં ડ્રેનેજનો કચરો ઉપાડવામાં ન આવ્યો હોવાની 511 ફરિયાદો નોંધાઇ છે. જ્યારે ડ્રેનેજ પાઇપ ગટર તૂટી હોવાની 202 ફરિયાદ મળી છે. ડ્રેનેજ મેઇન્ટેન્શનને લગતી 1493 ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધાઇ છે. બીજા ક્રમે રોશની શાખા છે. રોશની શાખાને લગતી 4395 ફરિયાદો નોંધાઇ છે. જેમાં સ્ટ્રીટલાઇટ બંધ હોવાની, એલઇડી ડેમેજ હોવાની, શોર્ટ સર્કિટ થતી હોવાની અને દિવસે પણ લાઇટ ચાલુ હોવાની ફરિયાદો નોંધાઇ છે. જ્યારે સોલીડ વેસ્ટ શાખાની 3341 ફરિયાદો નોંધાઇ છે.

નિયમિત સફાઇ થતી ન હોવાની, ટીપરવાન આવતી ન હોવાની, કચરો સળગાવવામાં આવતો હોવાની, જાહેર શૌચાલય નિયમિત સાફ થતું ન હોવાની, ડિમોલીશન વેસ્ટનો નિકાલ કરવામાં ન આવતો હોવાની ફરિયાદો મુખ્ય છે. પાણીને લગતી પણ રોજ સરેરાશ 103 ફરિયાદો નોંધાઇ છે. જેમાં મોટર મૂકી ડાયરેક્ટ પમ્પીંગ કરવામાં આવતું હોવાની 46, ગેરકાયદે નળ જોડાણ હોવાની 10, 20 મિનિટથી ઓછું પાણી મળતું હોવાની 119, ધીમા ફોર્સથી પાણી મળ્યું હોવાની 675 ફરિયાદ, પાણી જ મળ્યું ન હોવાની 836, પાઇપલાઇન લીકેજ હોય તેવી 591, પ્રદૂષિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાનું 657, વાલ્વ ચેમ્બર ડેમેજ હોવાની 75 અને 20 મિનિટથી વધુ સમય પાણી વિતરણ ચાલુ રહ્યું હોવાની 79 ફરિયાદો નોંધાઇ છે.

આ ઉપરાંત રખડતા-ભટકતા ઢોરની 187, કૂતરાનો ત્રાસ હોવાની 70, આવાસ યોજનાને લગતી 11, બાંધકામ શાખાને લગતી 1197, સિટી બસની 180, મરેલા ઢોર અંગેની 288, દબાણ હટાવ શાખાને લગતી 363, ગાર્ડન શાખાને લગતી 159, ઓનલાઇન પેમેન્ટ થતું ન હોય તેવી 94, ટ્રાફીક અને ટ્રાન્સપોર્ટ સેલને લગતી હોવાની 23, ટાઉન પ્લાનિંગ શાખાની 175 અને મેલેરિયા વિભાગને લગતી 273 સહિત કુલ 35,397 ફરિયાદો નોંધાઇ છે. જે પૈકી 33,700 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે 638 ફરિયાદો આજની તારીખે પેન્ડીંગ છે. 518 ફરિયાદો એવી છે કે કોર્પોરેશનની કામગીરીમાં આવતી નથી. જ્યારે 242 ફરિયાદો બીજીવાર રિપીટ થઇ હોય તેવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.