ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોંએ રવિવારે પહેલી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ (આઇએસએ) સમિટનું ઉદ્ઘાટન કર્યું. સમિટની શરૂઆત મૈક્રોંના ભાષણ સાથે કરવામાં આવી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટને સંબોધી. મોદીએ કહ્યું, “ભારતમાં વેદોએ હજારો વર્ષો પહેલા સૂર્યને વિશ્વની આત્મા માન્યો છે. ગઠબંધનમાં સૌથી મોટા સાથી છે સૂર્યદેવતા.” રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમિટમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સહિત 23 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, 10 દેશોના મંત્રી સહિત 121 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા. આને દુનિયાના સોલર એનર્જી સેક્ટરમાં ભારત અને ફ્રાન્સની મોટી પહેલ માનવામાં આવી રહી છે. ત્રણ વર્ષ પહેલા ગુડગાંવમાં આઇએસએના હેડક્વાર્ટરનો પાયો નાખવામાં આવ્યો હતો.
સોલર સમિટને સંબોધતા મોદીએ શું કહ્યું?
– સોલર સમિટને સંબોધતા મોદીએ કહ્યું કે, “ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનો નાનકડો છોડ તમારા લોકોના સંયુક્ત પ્રયત્નો અને પ્રતિબદ્ધતા વગર રોપી ન શકાયો હોત.
એટલે હું ફ્રાન્સનો અને તમારા લોકોને ખૂબ આભારી છું. 121 સંભવિત દેશોમાંથી 61 દેશ આ અલાયન્સ સાથે જોડાઇ ચૂક્યા છે અને 32 દેશોએ રૂપરેખા કરાર પર સંમતિ દર્શાવી છે.”
– “ભારતે વેદોમાં હજારો વર્ષો પહેલા સૂર્યને વિશ્વની આત્મા માન્યા છે. ભારતમાં સૂર્યને સમગ્ર જીવસૃષ્ટિના પોષક માનવામાં આવ્યા છે. આજે જ્યારે આપણે ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે પહોંચી વળવાનો રસ્તો શોધી રહ્યા છીએ, તો પ્રાચીન દર્શનના સંતુલન અને સમગ્ર દ્રષ્ટિકોણ તરફ જોવું પડશે. આપણું હરિયાળું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ.”
– મોદીએ સંમેલનમાં સામેલ વૈશ્વિક નેતાઓને એમ પણ જણાવ્યું કે ભારતમાં દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી એક્સેટન્શન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. પીએમએ જણાવ્યું કે, “અમે 2022 સુધીમાં તેનાથી 175 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરીશું જેમાંથી 100 ગીગાવોટ વીજળી સૂર્યમાંથી આવશે.