એકાઉન્ટ ફ્રીઝ હોવાથી ચેક રીટર્નના કેસનો છેદ ઉડી શકે નહીં: સુપ્રીમ
અબતક, નવી દિલ્લી
સુપ્રીમ કોર્ટ ચેક રિટર્નના કેસમાં એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું છે કે, ફક્ત એકાઉન્ટ ફ્રીઝ છે તેનો અર્થ એવો નથી કે, ખાતું બંધ છે. સુપ્રીમે કહ્યું કે, એકાઉન્ટ ફ્રીઝ છે તેનો સીધો અર્થ છે કે, આ પ્રકારના કોઈ ખાતાનું ખરા અર્થમાં અસ્તિત્વ છે જેથી ચેક રિટર્નનો કેસ કરી જ શકાય છે અને અદાલતે સમગ્ર મામલો સુનાવણી સ્વરૂપે ચલાવવો જ જોઈએ તેવું તારણ સુપ્રીમે કાઢ્યું છે.
સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ચેક બાઉન્સ કેસમાં રાજસ્થાનની નીચલી કોર્ટમાં ફોજદારી કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવે. રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર ચીફ જસ્ટિસ એન.વી. રમના, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને હેમા કોહલીની બેન્ચે આ આદેશ આપ્યો હતો. આ કેસમાં ફોજદારી કાર્યવાહી હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આરોપીઓના એ દાવાને ફગાવી દીધો કે તેમની સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોઈ કેસ કરવામાં આવ્યો નથી. બેંકના સંચાલકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, બેંકમાં આવું કોઈ ખાતું ખોલવામાં આવ્યું નથી.”આ બાબત તો ખુબ જ આશ્ચર્યજનક છે,” બેન્ચે કહ્યું હતું. બેંચે કહ્યું કે, “એક તરફ બેંક મેનેજરે જુબાની આપી કે બેંકમાં આવું કોઈ ખાતું ખોલવામાં આવ્યું નથી. બીજી તરફ, અપીલકર્તાની તરફેણમાં દોરવામાં આવેલ પ્રતિવાદીનો ચેક “એકાઉન્ટ ફ્રીઝ” ની ટિપ્પણી સાથે પરત કરવામાં આવ્યો હતો.
બેન્ચે કહ્યું કે, ચેક રિટર્ન પર કરવામાં આવેલા અવલોકનોના આધારે અનુમાન લગાવી શકાય છે કે બેંકમાં ખાતું અસ્તિત્વમાં છે. નીચલી અદાલતે આ બાબત ધ્યાનપૂર્વક વિચારવી પડશે. તમામ પક્ષો માટે સંપૂર્ણ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે માત્ર બેંક અધિકારીઓની જુબાની પર આધારિત ન હોવું જોઈએ.
આ એવો કેસ ન હતો જેમાં કાર્યવાહી રદ થવી જોઈએ. પરિણામે, અમે હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવીએ છીએ. હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખીને નીચલી અદાલતને ટ્રાયલ ફરી શરૂ કરવા અને તેને ઝડપથી અને જો શક્ય હોય તો કાયદા અનુસાર છ મહિનાની અંદર પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
એકાઉન્ટ ‘ફ્રીઝ’ છે એટલે એકાઉન્ટનું ‘અસ્તિત્વ’ છે: સુપ્રિમનું મહત્વપૂર્ણ તારણ
મામલામાં બેંકના મેનેજર દ્વારા એવી જુબાની આપવામાં આવી હતી કે, ફરિયાદી પક્ષે કરવામાં આવેલી અરજીનો કોઈ મતલબ નથી કેમકે, ફરિયાદીએ જે બેંક એકાઉન્ટનો ઉલ્લેખ કર્યો છે ખરેખર આ એકાઉન્ટનું બેંકમાં કોઈ અસ્તિત્વ જ નથી. જ્યારે બીજી બાજુ ફરિયાદીનો ચેક બેંકે એવી નોંધ સાથે રિટર્ન કર્યો હતો કે, આ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. જેના આધારે સુપ્રીમે તારણ કાઢતા કહ્યું હતું કે, એકતરફ એવું કહેવામાં આવે છે કે, બેંક એકાઉન્ટનું અસ્તિત્વ જ નથી અને બીજી બાજુ એકાઉન્ટ ફ્રીઝ થયેલું છે તેવી નોંધ સાથે ફરિયાદીનો ચેક રિટર્ન કરવામાં આવ્યો છે જે બંને બાબત વિરોધાભાસ ઉભો કરે છે. સુપ્રીમે કહ્યું કે, એકાઉન્ટ ફ્રીઝ છે તેનો સીધો અર્થ એવો થાય છે કે, એકાઉન્ટનું અસ્તિત્વ તો છે.