ઉત્તર-પૂર્વની દિશાનાં પવન ફુંકાતા આગામી ૩ દિવસમાં પારો ૨ થી ૩ ડિગ્રી ગગડશે: નલીયાનું તાપમાન ૧૧.૪ ડિગ્રી
ફુલગુલાબી ઠંડી સાથે મોર્નીંગ વોક માટે નિકળતા લોકોની સંખ્યા વધી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં પણ શિયાળાએ આખરે અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે ગુજરાતમાં સૌથી વધુ ઠંડુ શહેર નલીયાનું ૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જોકે આજે ફરી પાછો પારો ઉંચકાયને નલીયાનું તાપમાન ૧૧.૪ ડિગ્રી જેટલું નોંધાયું હતું. મોડીરાત્રે અને વહેલી સવારે ફુંકાતા ઠંડા પવનથી શિયાળાનો આખરે પ્રારંભ થયો હોવાનો અહેસાસ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગનાં મત મુજબ ગુજરાતમાં હવે ઉતર-પૂર્વની દિશાનાં પવન ફુંકાતા આગામી ૩ દિવસમાં પારો ૨ થી ૩ ડિગ્રી ઘટી શકે છે.
રાજકોટની ઠંડીની વાત કરીએ તો રાજકોટમાં પણ તાપમાનનો પારો ગગડયો છે. રાજકોટનું આજે લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૧૭.૪ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને પવન ૭ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફુંકાયો હતો. નલીયાની વાત કરીએ તો નલીયામાં ગઈકાલે સિઝનનું સૌથી લઘુતમ તાપમાન ૮.૨ ડિગ્રી નોંધાયું હતું જોકે આજે નલીયાનું ૧૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન અને ૨૮ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા જેટલું નોંધાયું હતું.
રાજયનાં ૧૧ શહેરમાં ઠંડીનો પારો ૧૬ ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં ડિસા ૧૨.૫ ડિગ્રી, રાજકોટ-ભુજમાં ૧૩.૩ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. શહેરીજનો કાતિલ શિયાળા માટે સજજ થઈ ગયા છે. ગરમ કપડા કબાટમાંથી કાઢીને ઠંડીની ઋતુ સામે રક્ષણ મેળવવાની પુરતી તૈયારી કરી દીધી છે. ઠંડા પવન ફુંકાતા જ સવાર-સાંજ ઠંડુ વાતાવરણ થતા મોડી સવારે દુકાન ખુલવી ચહલ-પહલ મોડી શરૂ થઈ, સ્વેટરો દેખાવા લાગવા, શાળાઓનાં સમયમાં ફેરફાર થયા છે જોકે સવારે ગુલાબી ઠંડી સાથે મોર્નિંગ વોક માટે નિકળેતા લોકોની સંખ્યા વધી છે સાથે જીમમાં જતા લોકોમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં તાપમાનનો પારો ગગડતા શિયાળો હવે ધીમે-ધીમે જમાવટ કરી રહ્યો છે. હજુ આગામી ૨ થી ૩ દિવસમાં ઉતર-પૂર્વનાં ઠંડા પવનો ફુંકાતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.