ધર્માંતરણ મામલે સુપ્રીમમાં કેન્દ્રનું નિવેદન: બળજબરીથી ધર્માંતરણ એ ગંભીર બાબત છે, જેને હળવાશથી ન લઈ શકાય
ધર્માંતરણનો મામલો સુપ્રીમમાં પહોંચતા સુપ્રિમે કેન્દ્રને જવાબ આપવા જણાવ્યું હતું. જેમાં કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે ધર્મ સ્વતંત્રતામાં કોઈને બીજાનો ધર્મ બદલવાનો અધિકાર નથી.બળજબરીથી ધર્માંતરણ એ ગંભીર બાબત છે, જેને હળવાશથી ન લઈ શકાય.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ સામે કડક પગલાં લેવામાં આવશે. સર્વોચ્ચ અદાલતની નોટિસ પર, કેન્દ્રએ સ્પષ્ટપણે કહ્યું કે કોઈને પણ બીજાનો ધર્મ બદલવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં કેન્દ્રએ કહ્યું કે બળજબરીથી ધર્માંતરણ એ ગંભીર બાબત છે, જેને હળવાશથી ન લઈ શકાય. હકીકતમાં, દેશમાં દરરોજ છેતરપિંડી અથવા બળજબરી અથવા ધાકધમકી દ્વારા ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવે છે. આ ઘટનાઓને કારણે સમાજમાં નફરતની લાગણી વધી રહી છે. આ સંદર્ભમાં અરજદાર અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ તેમાં કોઈ બીજાનો ધર્મ બદલવાનો અધિકાર સામેલ નથી. તેમણે કહ્યું કે, ’કોઈને પણ બીજાના ધર્મમાં પરિવર્તન કરવાનો મૂળભૂત અધિકાર નથી.’ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડ અને હરિયાણાએ પહેલાથી જ બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બળજબરીથી ધર્માંતરણ એક ગંભીર મુદ્દો છે અને તે દેશની સુરક્ષાને અસર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરતા, બળજબરીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. બળજબરીથી અને છેતરપિંડીથી થતા ધર્માંતરણને રોકવા માટે કડક કાયદાકીય જોગવાઈઓ કરવા સામેની અરજી પર 23મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી થઈ હતી. ત્યારે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે અરજી દાખલ કરીને માંગણી કરી છે કે બંધારણની કલમ 14, 21 અને 25 હેઠળ નકલી માધ્યમથી અથવા ધાકધમકી આપીને ધર્મ પરિવર્તન કરવું ગુનો છે.
બળજબરીથી ધર્માંતરણ રોકવામાં નહિ આવે તો હિન્દૂ લઘુમતિમાં મુકાઈ જશે: એડવોકેટ
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા લોકોનું ધાકધમકીથી કે લાલચ અને ભેટસોગાદો આપીને કે નાણાકીય લાભો આપીને કે છેતરપિંડી કરીને કરવામાં આવતા ધર્મ પરિવર્તન સામે અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે જો આ પ્રકારના ધર્મ પરિવર્તનને રોકવામાં નહીં આવે તો નજીકનાં વર્ષોમાં જ ભારતમાં હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે. કેન્દ્રએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા શબ્દ પ્રપોગેટ એટલે કે પ્રચાર શબ્દ કોઈ વ્યક્તિનું ધર્માંતરણ કરવાના અધિકારની પરિકલ્પના કરતો નથી.