રાજ્યના આ વર્ષના બજેટમાં ડીઝીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા કરોડોની જોગવાઈ પણ કરવામાં આવી હતી
ઠાસરા અને ગળતેશ્વર તાલુકા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, જનસુવિધાના રૂ. 62.82 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે અને બજેટમાં પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રાજ્યના 4000 ગામમાં ફ્રી વાઇ-ફાઈની સુવિધા પહોચડવામાં આવશે. આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાતે આગેવાની લીધી છે. આ તકે મુખ્યમંત્રીએ ઈ-તકતી અનાવરણ દ્વારા ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના અંદાજિત રૂપિયા 62.82 કરોડના 72 વિકાસ કામો ખાતમૂર્હુત-લોકાર્પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની એન.આર.એલ.એમ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માતૃશક્તિ યોજના, આંબેડકર આવાસ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેક તેમજ કિટ્સનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સારા કાર્યો માટે હંમેશા પહેલા ગણપતિને યાદ કરવા પડે છે તેવી રીતે આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિન ખેડા જિલ્લામાં લોકોપયોગી વિકાસના અનેકવિધ કાર્યોનો શુભારંભ કરાયો છે.
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસના મંત્રને વરેલી આ સરકારે, ગુજરાતને વિકાસની નવી દિશા બતાવી છે. રાજ્યમાં લોકકલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણથી છેવાડાના માનવી સુધી તેના લાભો પહોંચાડ્યા છે.