ભારત હવે વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર સાબિત થઈ ગયું છે. હવે તો લક્ષ્ય એ છે કે બીજા દેશોને મેઇડ ઈન ઇન્ડિયાનું ઘેલું લગાડવું. આ દિશામાં પણ સરકાર પગલાં લઈ રહી છે. તેવામાં ભારત અને યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ભારતના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર સાબિત થશે.
ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે ઈન્ડિયા યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમિયાન જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ગેમ ચેન્જર સાબિત થશે. વિદેશ મંત્રીએ કહ્યું કે સ્થિરતા લાવવામાં વ્યવસાયની પ્રાથમિક ભૂમિકા છે. ભારત અને યુરોપ બહુપક્ષીય, ભૌગોલિક રાજકીય અને સુરક્ષા ચિંતાઓ વહેંચે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે યુરોપ ભારતનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે. અમે આશા રાખીએ છીએ કે નજીકના ભવિષ્યમાં ભારત એકમાત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે.
ડો. જયશંકરે કહ્યું કે જ્યારે ગ્રીન ટ્રાન્ઝિશનની વાત આવે છે ત્યારે ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો માટે રિન્યુએબલ એનર્જી મહત્વપૂર્ણ છે. હરિયાળી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવાની બાબતમાં ભારત ત્રીજા ક્રમે છે. ઈન્ડિયા યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ મંગળવારથી શરૂ થઈ છે અને તે 1 માર્ચ, 2023 સુધી ચાલશે.
નોંધનીય છે કે વર્ષ 2021માં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 88 અબજ ડોલર અને પાઉન્ડનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. આ ભારતના કુલ વેપારના 10 ટકાની નજીક છે. યુએસ (11.6 ટકા) અને ચીન (11.4 ટકા) પછી, ભારત યુરોપિયન યુનિયનના દેશોમાં સૌથી વધુ ઉત્પાદનોની નિકાસ કરે છે. છેલ્લા એક દાયકામાં ભારત અને યુરોપિયન દેશો વચ્ચેના વેપારમાં 30 ટકાનો વધારો થયો છે.ર વર્ષ 2020માં યુરોપિયન દેશોમાંથી લગભગ 87 બિલિયન પાઉન્ડનું રોકાણ આવ્યું હતું, જે 2017ના 63 બિલિયન પાઉન્ડ કરતાં વધુ છે. આમ યુરોપિયન યુનિયન ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. જોકે યુરોપિયન યુનિયનના દેશોએ ચીનમાં 201 બિલિયન પાઉન્ડ અને બ્રાઝિલમાં 263 બિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું છે, જે ભારત કરતાં ઘણું વધારે છે. લગભગ 6,000 ઇયું કંપનીઓ ભારતમાં કાર્યરત છે અને તેમના દ્વારા 1.7 મિલિયન લોકો રોજગારી આપે છે. આ સાથે લગભગ 50 લાખ લોકોને આડકતરી રીતે રોજગાર મળે છે.