કલમી રોપાઓ અને દેશીકુળના 4000 રોપાનું વિતરણ થશે: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે
સ્વ.પ્રકાશભાઇ વાંક (ફડસર, રાજકોટ)એ તેની જિંદગી દરમિયાન 5000 વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરી સારી રીતે તેનું જતન થાય તેવા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરેલ છે, તેને વૃક્ષો ખૂબ ગમતા, તે દર વર્ષે ચોમાસામાં વેચાતી રોપા લઇ વિવિધ જગ્યાઓમાં જઇ વિનામૂલ્યે આપી આવતા. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ વાતચીતમાં જણાવ્યું હતું કે તે આ ફાની દુનિયા છોડી જતાં રહ્યા તેને શ્રદ્વાંજલીના રૂપમાં આપણે કલમી રોપાઓ (કેસર આંબા, કાલપતિ ચીકુ, નાળિયેરી)નું વિનામૂલ્યે વિતરણ કરવાના છીએ ઉપરાંત દેશી કુળના રોપાઓ જેવા કે લીંબુ, બોરસલી, ગુંદા, સીંગાપુર ચેરી, ફણસ, ફાલસા, જામફળ, સીતાફળ આમુ કુલ 4000 રોપાનું વિતરણ વિનામૂલ્યે તા.1/7/2022ના રોજ કરવાના છીએ.
મોરબી, માળીયા-મિયાણા અને જોડિયા તાલુકાના ગામો જેવા કે (ફડસર, બેલા, જામદૂધઇ, કોઠારીયા, માવનું ગામ, કુંતાશી, ખીરસરા, દેવગઢ, સોલંકી નગર, ખાખરડા અને જાજાસરા) કે જે વરસાદ આધારિત છે ત્યાં કલમી રોપા અને દેશી કુલના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાથી લોકો ફળિયામાં વૃક્ષો વાવી તેનું સારી રીતે જતન કરી શકશે, દરેક ગામ દીઠ-ર યુવાનો પોતાના ગામના ફળિયામાં સારી રીતે વૃક્ષો ઉછેર તેના માટે માર્ગદર્શન આપશે.
પ્રકાશભાઇ વાંકના સગા, સ્નેહીઓ, મિત્રો અને ચાહકો દ્વારા થયેલ લોકફાળાથી આ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું છે. આ વિનામૂલ્યે રોપ વિતરણની શરૂઆત તારીખ 01/07/2022 (અષાઢી બીજ)ના રોજ ફડસરથી કરવામાં આવશે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે વી.ડી.બાલા, જીતેશભાઇ વાંક, અર્જુનભાઇ ડાંગર, પ્રભાતભાઇ કુંભરવાડીયા, રાયધનભાઇ બાળાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.