ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો મફતની રેવડી આપવાનું શરૂ કરે આવું વર્ષોથી ચાલ્યું આવ્યું છે. પણ હવે શાસક સરકાર અને કોર્ટથી લઈને પ્રજા સુધી બધા જ મફતની રેવડી સામે ગંભીર બન્યા છે. મફતની રેવડી અર્થતંત્ર માટે ઘાતક હોય પક્ષોએ ચેતવાની તાતી જરૂરિયાત છે. બીજી તરફ પ્રજાના સેવકો રાજાને પણ ન પોસાય તેવા ઠાઠ ભોગવી રહ્યા છે. આ ક્યારે અટકાવાશે તે પણ સોમણનો પ્રશ્ન પ્રજામાં ઉદ્દભવી રહ્યો છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક મહિનામાં ચોથી વાર રાજ્યની મુલાકાત લીધી છે. સૌરાષ્ટ્રના વેરાવળમાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે  રાજ્યમાં પાંચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે. જ્યાં સુધી યુવાનોને રોજગાર નહીં મળે ત્યાં સુધી દર મહિને રૂ. 3000નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ ઉપરાંત કેજરીવાલે મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પેપરલીક માટે આપની સરકાર અલગથી કાયદો બનાવશે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે અને ગુજરાતમાં દરેક બેરોજગારને રોજગારી આપીશું. તેમણે લઠ્ઠાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સંબોધનની શરૂઆતમાં લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા 50થી વધુ લોકો માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ ઉપરાંત તેમણે રાજ્યમાં મફતમાં 300 યુનિટ વીજળી આપવાની જાહેરાત કર્યા પછી બીજી મોટી ગેરંટી- રોજગારની ગેરન્ટી આપી હતી. તેમણે પાંચ વર્ષમાં બીજી 20 લાખ રોજગારી આપવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પેપરો બહુ લીક થઈ જાય છે, જેનાથી તમામ બાળકો હેરાન પરેશાન છે. જેની સામે અમે કાયદો લઈને આવીશું. પેપરલીક પાછળના માફિયાઓને આકરી સજા કરીશું.તેમણે કહ્યું હતું કે ભાજપ મોડલમાં ઝેરી દારૂ, ભ્રષ્ટાચાર મળશે, બાળકો આત્મહત્યા કરશે અને તમામ રેવડી સ્વિસ બેંકમાં જશે. જ્યારે અઅઙ મોડલમાં મફત વીજળી, સારી શાળાઓ અને હોસ્પિટલો અને બધી રેવડી તમારી વચ્ચે વહેંચવામાં આવશે. તમારે નક્કી કરવાનું છે કે કયું મોડેલ પસંદ કરવું.

લોક સેવકની વ્યાખ્યા બદલાવવાનો સમય પાકી ગયો છે???

સામાન્ય લોકોના પ્રશ્નોને રાષ્ટ્રીય ફલક ઉપર વાચા આપવા માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેનો યોગ્ય પ્રતિસાદ હજુ સુધી જોવા મળતો નથી ત્યારે હવે એ સમય પાકી ગયો છે કે ચૂંટાયેલા લોક સેવકોની વ્યાખ્યા બદલવામાં આવે. છેલ્લા પાંચ વર્ષની જો વાત કરવામાં આવે વર્ષ 2014 થી વર્ષ 2019 દરમિયાન તો તે પૈકી જે પ્રશ્ન લોકસભામાં અથવા તો વિધાનસભામાં જે પૂછાવા જોઈએ તે આંકડો ખૂબ જ ઓછો છે તો તેનો મતલબ એ સ્પષ્ટ થાય છે કે જે લોક સેવક છે કે તેઓ તેમની જાણે જવાબદારી ચૂક્યા હોય.

જ્યાં સુધી લોકોના પ્રશ્નોને યોગ્ય વાચા આપવામાં નહીં આવે અને અથવા તો તેનું નિવારણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી ઘણા ખરા પ્રશ્નો ઉદ્ભવિત થતા રહેશે. તમામ પરિસ્થિતિને અનુલક્ષી હવે એ સમય ખરા અર્થમાં પાકી ગયો છે કે લોક સેવકોની વ્યાખ્યા બદલાય. લોક સેવક સતત હોય તો જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનું ઝડપભેર નિવારણ આવી શકે છે અને યોગ્ય અને નિષ્પક્ષ કાયદા પણ બની શકે છે.

હાલ લોક સેવકોને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં પરંતુ વિરોધ કરવામાં જાણે રસ પડતો હોય તેવું ચિત્ર ઊભું થયું છે કારણકે જે રીતે વિધાનસભા અથવા તો લોકસભાનું સત્ર ચાલવું જોઈએ તે પણ યોગ્ય રીતે નથી ચાલી શકતું અને તેની સીધી જ અસર દેશના વિકાસ અને સામાન્ય નાગરિકો ના વિકાસ પર પડે છે. તારે લોકસભા અથવા તો વિધાનસભાના સત્ર નિયમિત રીતે ચાલતા થશે તે સમયે ખરા અર્થમાં દેશનો વિકાસ શક્ય બનશે કારણ કે અરે સત્તા પક્ષ અને વિપક્ષ એક સાથે કોઈ એક મુદ્દા ઉપર ગંભીર ચર્ચા હાથ ધરી તેનો યોગ્ય ઉકેલ લાવવા માટે મહેનત કરશે જે ખરા અર્થમાં રંગ લાવશે. તો હાલ પેડ પોલિટિક્સનો જમાનો આવી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.