ટીબીના રોગને નાબુદ કરવા સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાની સાથે રાજકોટના દર્દીઓને સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓની મદદથી કરાતી સહાય
એક સમયે અસાધ્ય હોવાના કારણે રાજરોગ ગણાતાક્ષય એટલે કે ટીબીનો રોગ આપણા દેશમાં હવે કાબુમાં આવી ગયો છે. પરંતુ આ રોગને વર્ષ ૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ પણે હટાવવાનો કેન્દ્રની મોદી સરકારે લક્ષ્યાંક રાખ્યો છે. આ રોગને અટકાવવા સરકારે વિવિધ યોજનાઓ હાથ ધરી છે. ઉપરાંત, ટીબીને હટાવવા હવે ખાનગી સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી છે. રાજકોટના જિલ્લા ટીબી કેન્દ્રમાં સારવાર લેતા હજારો દર્દીઓમાંથી ૬૦ જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓને પ્રોટીનયુકત કઠોળ અને ખાધ સામગ્રીની કીટ આપવામાં આવે છે. આ કીટ ખાનગી સંસ્થા અને એનજીઓની મદદથી દર માસે નિ:શુલ્ક આપવામા આવે છે.
ટીબીનાદર્દીઓને રાજય સરકાર દ્વારા નિદાનથી માંડીને દવાઓ નિ:શુલ્ક આપવામા આવે છે ટીબીના દર્દીઓને ઝડપથી રીકવરી માટે પ્રોટીન યુકત ખોરાક લેવો જરૂરી હોય સરકાર દ્વારા દર્દીઓનાં બેંક ખાતામાં દર માસે ૫૦૦ રૂ. આપવામાં આવે છે. પરંતુ મોટાભાગના દર્દીઓ આ ૫૦૦ રૂ.ની સહાય પ્રોટીનવાળો ખોરાક લેવાના બદલે બીજે ખર્ચે વાપરી નાખતા હોય છે. જેથી આવા દર્દીઓને પ્રોટીન યુકત ખોરાકના અભાવે ટીબીમાં જોઈએ તેટલી ઝડપથી રીકવરી થતી નથી.
જેથી રાજકોટ જિલ્લા ટીબી સેન્ટરના ડો. સુરેશભાઈ લકકડને જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને પ્રોટીન યુકત ખાધ સામગ્રીની કીટ આપવાનો વિચાર આવ્યો હતો તેમાં તેમને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ જેવી અનેક સંસ્થાઓ તથા ડો. કિરીટટેલ જેવા દાતાઓનો સહયોગ મળ્યો હતો આ દાતાઓનાં સહયોગથી આશરે ૫૦૦થી ૬૦૦ રૂ.ની કિંમતની થતી ખાધ સામગ્રીની કીટ દરમાસના બીજા શનિવારે આપવામાં આવે છે. આ કીટમાં મગ, મગફાડા, વટાણા, ચણા, ચોળી, રાજમા, તુવેરદાળ જેવા કઠોળ, ચોખા, દાળીયા, ખજૂર ગોળ, પ્રોટીન પાવડર જેવી ખાધ સામગ્રી આપવામાં આવે છે.
ટીબીના અંતિમ ઇલાજ માટે સરકાર દ્વારા ૧પ લાખ રૂપિયાની અતિ મોંઘી દવા અપાય છે
દર્દીને ટીબીનો રોગ થવાનું નિદાન થયા બાદ સામાન્ય રીતે છ માસથી એક વર્ષ સુધી સારવાર ચાલતી હોય છે. જે સમય દરમ્યાન પ્રથમ તબકકે આઇસોનાઇઝડ, રીફામપીસીન, પીરામીનામાઇડ અને ઇથામબુરોલ એમ ચાર પ્રકારની દવાઓ અપાઇ છે. પરંતુ કોઇ દર્દીઓને અંતિમ સ્ટેનો ટીબીનો રોગ હોય તો આ ચારેય પ્રકારની દવાઓ અસર કરતી નથી. તે આવા દર્દીઓને બીડાકવીલીન ૧૦૦ગ્રામ આપવામાં આવે છે. જે ટીબી માટેની અંતિમ દવા ગણાય છે. આ દવા ભારતમાં બનતી ન હોય સરકાર દ્વારા વિદેશથી મંગાવી પડે છે. આ દવા ખુલ્લી બજારમાં વેંચાતી નથી પણ માત્ર સરકારી ટીબી સેન્ટરમાં જ મળે છે. આ દવા મોંધી હોય દર્દીઓને રોગ નાબુદ થાય ત્યાં સુધી અપાઇ તો તેની કિંમત ૧પ લાખ રૂ ની આસપાસ પહોંચી જાય છે. આ દવા પણ સરકારી ટીબી સેન્ટરમાં દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે.
ટીબીના દર્દીને પ્રોટીનયુકત ખોરાક આપવાથી ઝડપથી રીકવરી આવે છે: ડો. સુરેશભાઈ લકકડ
આ કીટ વિતરણ અંગે રાજકોટ ટીબી સેન્ટરના ડો. સુરેશભાઈ લકકડે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે રાજકોટમાં દર મહિને ૫૦૦ જેટલા દર્દીઓને ટી.બી.નું નિદાન કરી દવા કરવામા આવે છે.તેમાના અતી ગરીબ ૬૦ જેવા દર્દીને મહિનાના બીજા શનિવારે જીલ્લા સેન્ટરે બોલાવી તથા રાજકોટના દર્દીઓની મદદથી કઠોળ તથા ગોળનું વિતરણ કરવામાં આવે છે. કેવી રીતે કઠોળ ખાવા તથા ખોરાક એવો તે પણ સમજાવીએ છીએ દર્દીને દાળીયા, સીંગ કઠોળ જેવા પોષ્ટીક આહાર આપવાથી તેને પોષણ મળી રહે છે. અને સારવાર ઝડપથી થાય છે. રાજકોટની સદભાવના ટ્રસ્ટ , સ્થાનીક દાતાઓ ડો. કિરીટ પટેલ જેવા મહાનુભાવો દ્વારા મદદ કરવામાં આવે છે. ડો. કિરીટ પટેલ દ્વારા એક વષૅ સુધી દર્દીઓને બે પ્રોટીન પાવડર ના ડબ્બા આપવાની જાહેરાત કરી છે.
પરિવારની સ્થિતિ નબળી હોય આ પ્રોટીનયુકત કીટ મારા માટે આશિર્વાદરૂપ: સપનાબેન
ટીબીના દર્દી એવા સપનાબેનએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું રાજસ્થાનની છું ત્યાં મારી ટી.બી. ની સારવાર કરી હતી. પરંતુ મને ત્યાં કશું ફાયદો થયો ન હતો. છેલ્લા દોઢ વર્ષથી હું અહીં સારવાર કરાવું છું. અને મને ઘણો ફાયદો થયો છે. દોઢ વર્ષ પહેલા મારું વજન ૪૦ કીલો હતું હવે ૬૦ કીલો છે. અહીંની સારવાર પણ સારી છે. અને અહીં સુવિધા પણ આપવામાં આવે છે. મને આજે કઠોળ અને ખાદ્યસામગ્રીની કીટ આપવામાં આવી છે. અમારા પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય મારા માટે આ કીટ આશીર્વાદરુપ સારવાર થશે અને મને ટીબીમાં ઝડપથી સારુ થઇ શકશે.