હોમિયોપેથીક દવાથી કોઈ આડઅસર થતી નથી:ડો.એન. જે.મેઘાણી
વર્તમાન કોરોના મહામારીના સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલી અનેકવિધ કામગીરીમાં કોરોનાના સામાન્ય લક્ષણને પગલે સમરસ હોસ્ટેલમાં તથા હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને હવે વિનામુલ્યે હોમિયોપેથિક દવાઓ આપવાનું શરૂ કરવામાં આવેલ છે.
“દિવ્ય જીવન સંઘ”, રાજકોટના ડો. એન. જે. મેઘાણીએ આગળ આવીને રાજકોટ મહાનગરપાલિકા સાથે હાથ મિલાવી કોરોના સામેના વર્તમાન જંગમાં જાહેર સ્વાસ્થ્યના હિતમાં પોતાનું યોગદાન આપવાની ઉમદા પહેલ કરી છે. ડો. મેઘાણીની આ પહેલને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે મુક્ત કંઠે બિરદાવી છે.
આજે ડો. એન.જે.મેઘાણી રાજકોટ મહાનગરપાલિકાની મુલાકાતે આવ્યા હતાં અને તેમણે મ્યુનિ. કમિશનર અને નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ સાથે પરામર્શ કરી હતી અને કોરોના પોઝિટિવના લક્ષણ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે હોમિયોપેથિક દવા આપવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી. તેઓની આ પહેલ પર કમિશનરે ખુશી વ્યક્ત કરી હતી.
આ વિશે વાત કરતા ડો. મેઘાણીએ જણાવ્યું હતું કે, હોમિયોપેથિક દવાની કોઈ આડઅસર થતી નથી તેથી આ દવા આશીર્વાદરૂપ પૂરવાર થાય છે. દર્દી નિશ્ચિંત બનીને આ દવા લઈ શકે છે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોતાના સંજીવની રથના માધ્યમથી સમરસ હોસ્ટેલના દર્દીઓ અને હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ઘેર ઘેર જઈને હોમિયોપેથિક દવા પહોંચતી કરવામાં આવશે.