- 80 કરોડ લોકોને ફ્રી અનાજ ઉપરાંત યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને સશક્ત બનાવવા અનેક જાહેરાત
- યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું તેમજ વન નેશન, વન ઈલેક્શન જેવા મહત્ત્વના વચન
લોકસભા 2024 ચૂંટણી માટે વડાપ્રધાન મોદી તથા ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપનું સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં ભાજપે પ્રજાને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું તેમજ વન નેશન, વન ઈલેક્શન જેવા મહત્ત્વના વચનો આપ્યા છે.’મફત’માં અનાજ, વીજળી અને ઘરના ઘરની યોજના ભાજપના ચૂંટણી ઢંઢેરાનો મુખ્ય લક્ષ્ય રહ્યો છે.
ભાજપે જણાવ્યું છે કે અમે તમામ ઘરો માટે સસ્તી પાઇપલાઇન ગેસ મળી રહે તે દિશામાં કામ કરીશું. અમે વીજળી બિલને શૂન્ય કરવા તરફ કામ કરીશું, પીએમ સૂર્યઘર વીજળી યોજના શરૂ કરવામાં આવશે. ઘરે મફત વીજળી, વધારાની વીજળીના પૈસા પણ મળશે. મુદ્રા યોજનાની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી. પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ટ્રાન્સજેન્ડર્સને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે ’અમારું ધ્યાન જીવનની ગરિમા, જીવનની ગુણવત્તા અને રોકાણ દ્વારા નોકરીઓ પર છે. મોદીની ગેરંટી છે કે મફત રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. અમે સુનિશ્ચિત કરીશું કે ગરીબોને આપવામાં આવતો ખોરાક પૌષ્ટિક, સંતોષકારક અને સસ્તો હશે.
ભાજપના મેનિફેસ્ટોનું અનાવરણ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ’આજે ખૂબ જ પવિત્ર દિવસ છે. દેશના ઘણા રાજ્યોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે, નવરાત્રીના છઠ્ઠા દિવસે, આપણે માતા કાત્યાયનીની પ્રાર્થના કરીએ છીએ. તેના બંને હાથમાં કમળ છે. આ સંયોગ બહુ મોટો છે, આજે આંબેડકર જયંતિ પણ છે. આખો દેશ ભાજપના ’સંકલ્પ પત્ર’ની રાહ જોઈ રહ્યો છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે છેલ્લાં 10 વર્ષમાં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરાના દરેક મુદ્દાને જમીન પર ગેરંટી તરીકે લાગુ કર્યા છે. આ ’સંકલ્પ પત્ર’ વિકસિત ભારતના તમામ ચાર મજબૂત સ્તંભો યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને સશક્ત બનાવે છે.
2024ની ચૂંટણી માટે ભાજપે પોતાના ઢંઢેરામાં ઘણા ચૂંટણી વચનો આપ્યા છે. જેમાં પીએમ સૂર્ય ઘર તરફથી મફત રાશન, પાણી, ગેસ કનેક્શન, શૂન્ય વીજળી બિલ જેવા વચનો સામેલ છે.
યુવાનો માટે મોદીની ગેરેન્ટીમાં કયા વચનો ?
ભાજપે મોદીની ગેરેન્ટીમાં દેશવાસીઓને વચન આપ્યું છે કે યુવાનો માટે રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ, રમતગમત, ઉચ્ચ મૂલ્યની સેવાઓ અને પર્યટનના નવા રસ્તા ખુલશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે
ભાજપે તેના સંકલ્પ પત્રમાં વચન આપ્યું છે કે આયુષ્માન ભારત તરફથી 5 લાખ રૂપિયાની સારવાર મફતમાં મળશે. આ યોજના ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. પારદર્શક પરીક્ષા દ્વારા લાખોને રોજગારી મળી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે. દરેક નાગરિકને સારું શિક્ષણ આપવામાં આવશે.
70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લવાશે
ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ’હવે અમે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધ, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગ, દરેકને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે.
લખપતિ દીદી યોજનાનો વ્યાપ વધારાશે
ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કહ્યું છે કે સરકારે લખપતિ દીદીના નેતૃત્વમાં દેશની લાખો મહિલાઓને સશક્ત કરી છે. ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની ખાતરી આપી હતી. આ માટે કલ્યાણકારી યોજનાઓ સાથે મહિલા સહાયક જૂથોને મદદ આપવામાં આવશે. આ ઉપરાંત સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જેવી જીવલેણ સમસ્યાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. જાહેર સ્થળોએ મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવશે.