કાર્ડના છેલ્લા અંક મુજબ અનાજ વિતરણ કરાશે
રાજ્યભરમાં કોવિડ-૧૯ની મહામારીના કપરા સમયમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર માસથી અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો અને બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે તા. ૨૧ થી ૨૫ ઓગસ્ટ-૨૦૨૦ સુધી ઉપરોક્ત રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ માં સમાવેશ ન થયેલ બીપીએલ કાર્ડ ધારકોને નિયમિત ધોરણે કાર્ડમાં સમાવિષ્ટ પ્રત્યેક વ્યક્તિને ૩.૫ કિ.ગ્રા. ઘઉં અને ૧.૫ કિ.ગ્રા. ચોખાના જથ્થાનું નિ:શુલ્ક વિતરણ કરાશે.
જે રેશનકાર્ડ ધારકના કાર્ડનો છેલ્લો અંક ૧ અને ૨ હોય તેમણે તા. ૨૧ ઓગસ્ટના રોજ, ૩ અને ૪ હોય તેમને તા. ૨૨ ઓગસ્ટના રોજ, ૫ અને ૬ હોય તેમને તા. ૨૩ના રોજ, ૭ અને ૮ હોય તેમને તા. ૨૪ ના રોજ, ૯ અને ૦ હોય તેમને તા. ૨૫ ઓગસ્ટના રોજ અનાજ વિતરણ કરવામાં આવશે. અનિવાર્ય કારણોસર બાકી રહી ગયેલા રેશનકાર્ડ ધારકોએ તા. ૨૬ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીમાં અનાજનો જથ્થો મેળવી લેવાનો રહેશે. અનાજનો જથ્થો મેળવતા સમયે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.