સરકારની ૧૫૭ લેબોરેટરીમાં ૮૭ ટકા કોવિડ-૧૯નાં ટેસ્ટ થયા જયારે ખાનગી લેબોરેટરીની સંખ્યા માત્ર ૬૭
કોરોનાને લઈ જે ટેસ્ટ ખાનગી હોસ્પિટલોમાં કરાવવામાં આવે છે તેના માટે લોકોએ જરૂરીયાત મુજબની ફી પણ ચુકવવી પડે છે ત્યારે સુપ્રીમ કોર્ટે ભલામણ કરી છે કે, આગામી દિવસોમાં કોરોનાને લઈ ખાનગી લેબોરેટરીમાં ગરીબો દ્વારા જો ટેસ્ટ કરાવવામાં આવે તો તેઓને વિનામુલ્યે આ સેવા આપવી જોઈએ. સરકારી લેબોરેટરીમાં તમામ વર્ગ અને તમામ પ્રકારનાં લોકો માટે કોરોનાને લઈ કરવામાં આવેલા ટેસ્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે જયારે ખાનગી લેબોરેટરીમાં લોકોએ આશરે ૪૫૦૦ રૂપિયા આપી રીપોર્ટ કરાવવો પડે છે.
હાલ જે પ્રમાણમાં પ્રાઈવેટ લેબોરેટરી દ્વારા રીપોર્ટ થઈ રહ્યા છે તેમાં અંદાજે ૬૭ નવી પ્રાઈવેટ લેબોરેટરી તથા ૧૫૦૦૦થી વધુનાં કલેકશન સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે જેને સરકાર દ્વારા પણ આવકારવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટનાં જજ અશોક ભુષણ તથા એસ રવિન્દ્ર ભટ્ટ દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેને સરકારે પણ સમર્થન આપ્યું છે. સરકાર દ્વારા આર્થિક રીતે નબળા લોકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાઈવેટ લેબોરેટરીમાં નિ:શુલ્ક કોરોના ટેસ્ટ કરવા માટેની પરવાનગી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને લાભાર્થીઓને સ્કિમનો લાભ લેવા પણ જણાવ્યું છે.
સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટ બેન્ચને જણાવ્યું છે કે, ૧૦.૭ કરોડ ગરીબો તથા યોજનાનાં ૫૦ કરોડથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે અને તેઓ કોરોનાને લઈ કોવિડ-૧૯ ટેસ્ટ માટે પણ આ સ્કિમનો લાભ લઈ શકે છે અને જો તેઓ પ્રાઈવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા ઈચ્છે તો ત્યાં પણ તેઓને નિ:શુલ્ક સેવા આપવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. જયારે બીજી તરફ જે લોકો ટેસ્ટ માટે ખર્ચ કરી શકે તેમ છે તેઓને આ સેવા નિ:શુલ્ક આપવામાં નહીં આવે. હાલ સરકારની ૧૫૭ લેબોરેટરી દ્વારા ૮૭ ટકા જેટલા કોવિડ-૧૯નાં ટેસ્ટો હાથ ધરવામાં આવ્યા છે જેની સામે ૬૭ પ્રાઈવેટ લેબ જ હાલ કોવિડ-૧૯નાં ટેસ્ટ કરી રહ્યું છે. આઈસીએમઆર હેઠળ જે લોકો આવતા હોય તેઓને પ્રાઈવેટ લેબમાંથી કોવિડ-૧૯નો ટેસ્ટ નિ:શુલ્ક કરવાનું જણાવ્યું છે.