રાણીપાટના દુધ ઉત્પાદક મંડળીના મંત્રીને આંખમાં મરચુ છાંટી લુંટને આપ્યો અંજામ: સીસીટીવીના આધારે લુંટારુનું પગેરુ દબાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના થાનનાં ઉડવી ગામે મુળીના રાણીપાટ દુધ મંડળીના મંત્રીને આંતરી આંખમાં મરચાની ભુકી છાંટી રૂ.૧૪.૮૦ લાખની લુંટ ચલાવી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા જિલ્લામાં નાકાબંધી કરી પોલીસે લુંટનો ભેદ ઉકેલવા આશાવાદ સેવી રહ્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળી તાલુકાના રાણીપાટ દુધ ઉત્પાદક મંડળીના મંત્રી ખીમાભાઈ લખમશી મોરી નામના કર્મચારી મંડળીના સભાસદોને ચુકવણી કરવા માટે બેંકમાંથી રોકડ રકમ રૂ.૧૪.૮૦ લાખ લઈ રીક્ષામાં રાણીપાટ ગામે જઈ રહ્યા હતા ત્યારે થાનનાં ઉડવી ગામ પાસે પહોંચ્યા ત્યારે પીછો કરેલી કારે રીક્ષાને આંતરી બેઠેલા મંત્રી ભીમાભાઈના આંખમાં મરચાની ભુકી છાંટી રૂ.૧૪.૮૦ લાખની લુંટ ચલાવી લુંટારા નાસી છુટયા હતા.
આ બનાવની જાણ થાન પોલીસ મથકના સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓને થતા લીંબડી ડીવાયએસપી બસીયા સહિતનો સ્ટાફ દોડી જઈ જિલ્લાભરમાં નાકાબંધી કરી પોલીસે ચારથી વધુ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લુંટારા બેંકથી મંડળીના મંત્રીનો પીછો કરી રહ્યા હોવાનું અને અવાવરૂ સ્થળે લુંટને અંજામ આપ્યો હોવાથી પોલીસે સીસીટીવી અને લુંટારાના વર્ણનના આધારે ટુંકમાં લુંટનો ભેદ ઉકેલવાની આશા સેવાઈ રહી છે.