બેન્કમાંથી ૪૮ લાખની લોન લીધી પણ હાથમાં માત્ર રૂ.૫ લાખ જ આવતા યુવાને આત્મવિલોપનની ચીમકી દીધી
શહેરના રણછોડનગર વિસ્તારમાં રહેતા ભરવાડ યુવાનને વ્યાજે લીધેલી રકમ ચુકવવા અને મકાન ખરીદ કરવા ગીરવે મુકેલા ઘરેણા છોડાવવા આન્ધ્ર બેન્કમાંથી રૂ.૪૮ લાખની લોન લીધા બાદ વ્યાજ સહિતની રકમ ચુકવતા માત્ર રૂ.૫ લાખ જ હાથમાં આવ્યા બાદ લોનનો માસિક હપ્તો રૂ.૬૮ હજારનો આવતા કફોડી સ્થિતીમાં મુકાયેલા ભરવાડ પ્રૌઢ આત્મવિલોપનની ચીમકી ઉચારી છે.
રણછોડનગરના ઉમેશ બાબુભાઇ મુંધવા નામના યુવાને સદર બજારમાં આવેલા નિરવ અંબાણી અને અને અશ્ર્વિન પટેલ હસ્તક ઇન્દિરા સર્કલ પાસે આવેલી આન્ધ્ર બેન્કમાંથી રૂ.૪૮ લાખની ફેબ્રીકેશનનું કારખાનું બનાવવા લોન લીધી હતી.
લોન માટે જરૂરી દસ્તાવેજી પુરાવા એકઠા કરવામાં અને લોનના નિયમ મુજબ કારખાનું બનાવવા મશીનરી લેવા માટે પૈસાની જરૂર પડતા નિરવ અંબાણી પાસેથી માસિક છ ટકા વ્યાજના દરે રૂ.૨૨ લાખ લીધા હતા.
રૂ.૪૮ લાખની લોન મંજુર થતા નિરવ અંબાણીએ આપેલા રૂ.૨૨ લાખ વ્યાજ સહિત વસુલ કરી લીધા હતા તેમજ જરૂરી દસ્તાવેજ બનાવવાના અને અન્ય ખર્ચની રકમ કાપી માત્ર રૂ.૫ લાખ આપ્યા હતા. રૂ.૪૮ લાખની લોનનો માસિક હપ્તો રૂ.૬૮ હજાર આવતા તે ભરી શકયો ન હોવા કચ્છમાં ભાગી ગયો હતો. અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
નિરવ અંબાણી અને આન્ધ્ર બેન્કના મેનેજર સહિતના શખ્સોના કારણે પોતે કફોડી સ્થિતીમાં મુકાયો હોવાથી આત્મવિલોપન કરવાની ચીમકી દીધી છે. બેન્કનો હપ્તો ન ભરતો હોવાના કારણે બેન્ક દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવ્યાનું જણાવ્યું છે.