પત્ની અને પુત્રીની બીમારીની સારવાર માટે સહાય મેળવવા આપેલા ચેકનો દુર ઉપયોગ કરી સંબંધીઓએ જ કર્યો વિશ્ર્વાસઘાત

શહેરના સહકાર સોસાયટીમાં રહેતા વિકલાંગ વૃધ્ધ પાસે પત્ની અને પુત્રીને થયેલા થાઇરોડની બીમારીની સારવાર માટે સહાય માગી ચેકનો દુર ઉપયોગ કરી રૂા.૮,૭૦ લાખની છેતરપિંડી કર્યાની શ્રમજીવી સોસાયટીના વણિક દંપત્તી સહિત ત્રણ સામે પોલીસમાં લેખિત ફરિયાદ થઇ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સહકાર સોસાયટી મેઇન રોડ પર રહેતા દિલીપભાઇ બાબુલાલ ચાવડા નામના ૬૩ વર્ષના વિકલાંગ વૃધ્ધે શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિમલભાઇ ઉર્ફે વિમલેશ ઇન્દુભાઇ મહેતા, તેમના પત્ની મીરાબેન મહેતા અને પુત્રી નિશીતા મહેતાએ ચેકમાં બોગસ સહી કરી રૂા.૮.૭૦ લાખની છેતરપિંડી કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

દિલીપભાઇ ચાવડા અને વિમલભાઇ મહેતાના પરિવાર વચ્ચે ઘણા લાંબા સમયથી પારિવારીક સંબંધ હોવાથી વિમલભાઇ મહેતાએ પોતાની પત્ની મીરાબેન મહેતા અને પુત્રી નિશીતાબેન મહેતાને થાઇરોડની બીમારી હોવાથી સારવારના ખર્ચમાં પહોચી વળવા માટે મદદ માગી હતી ત્યારે દિલીપભાઇ ચાવડાએ ચેક બુકમાં સહી કરી એક ચેક આપ્યો તે દરમિયાન તેમની નજર ચુકવી વિમલભાઇ મહેતાએ વધારાના ચેક સેરવી લીધા હતા તેમજ તેમના પાન કાર્ડ અને બેન્ક પાસબુક સહિતના ડોક્યુમેન્ટ કેવાયસીના બહાને મેળવી જુદા જુદા ૧૧ ચેકમાં બોગસ સહી કરી રૂા.૮.૭૦ લાખ બારોબાર ઉપાડી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરાયો છે. ભક્તિનગર પોલીસે દિલીપભાઇ મહેતાની અરજીના આધારે તપાસ આરંભી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.