સ્પાન પાવર્સ પ્રા.લી.માં નોકરીએ રાખેલા કચ્છના શખ્સે મેટ્રો પોલીશન સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવા અને મોટી રકમ કમાવવાની લોભામણી લાલચ દઇ ૩૮,૦૪૩ શેર ડુપ્લીકેટ સહીથી બારોબાર ટ્રાન્સફર કરી લીધા
શહેરના કાલાવડ રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા ઇન્કમટેકસના એડીશ્નલ કમિશરની સ્પાન પાવર્સ પ્રા.લી. કંપનીમાં કામ કરતા કર્મચારી મેટ્રો પોલીશન સ્ટોક એકસચેન્જમાં રોકાણ કરવા અને મોટી રકમ કમાવવાની લોભામણી લાલચ દઇ ડુપ્લીકેટ સહી કરી રૂ.૩ કરોડના ૩૮,૦૪૩ શેર બારોબાર સગેવગે કરી એકાદ કરોડની કિંમતનું મકાન હડપ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કચ્છના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા વિનોદશંકર ઘનશ્યામભાઇ વ્યાસે મુળ કચ્છના અંજાર ગામના બિજોય ઉર્ફે વિનોદ કાંતીલાલ ઠક્કર નામના લોહાણા શખ્સ સામે રૂ.૩ કરોડની કિંમતના જુદી જુદી કંપનીના શેર અને પુષ્કરધામ ખાતે આવેલું મકાન છળકપટથી પડાવી લીધા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વિનોદશંકર વ્યાસ ૧૪ વર્ષ પહેલાં ઇન્કમટેકમાં એડીશ્નલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમના પરિચયમાં ભુજના દેવશીભાઇના પરિચયમાં આવતા બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. વિનોદશંકર વ્યાસ નિવૃત થયા બાદ રાજકોટના સરદારનગર શેરી નંબર ૩-૫માં સ્પાન પાવર્સ પ્રા.લી. કંપની શરૂ કરી હતી. પોતાના મિત્ર દેવશીભાઇના કહેવાથી પોતાની કંપનીમાં અંજારના બિજોય ઉર્ફે વિનોદ કાંતીલાલ ઠક્કરને માસિક રૂ.૨૫ હજારના પગારથી નોકરી પર રાખ્યો હતો અને તેને રહેવા માટે પુષ્કરધામ પાસે ભાડા વિના જ એક મકાન આપ્યું હતું.
બિજોય ઉર્ફે વિનોદ ઠક્કરે પોતાની ફરજ દરમિયાન વિનોદશંકર વ્યાસને મેટ્રોપોલીશન સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના શેરમાં રોકાણ કરી મોટી રકમ કમાવવાની લોભામણી લાલચ દઇ ૨૦૧૪ થી ૨૦૧૮ દરમિયાન વિનોદશંકર વ્યાસ, તેમના પત્ની ચંદ્રીકાબેન, પુત્ર કૌશલના નામે શેર ખરીદ કરવા માટે મોટી રકમ લીધી હતી તેમજ પોતાના બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ રાખો તો તે ગમે ત્યારે શેર ખરીદી શકે તેમ જણાવી પોતાના એકાઉન્ટમાં પણ મોટી રકમ જમા કરાવી શેર સર્ટીફિકેટ ન આપી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રૂ.૩ કરોડની કિંમતના ૩૮,૦૪૩ શેર ડુપ્લીકેટ સહીથી સગેવગે કરી નાખ્યાની અને પુષ્કરધામ ખાતેનું મકાન પરત સોપી દેવાનું જણાવતા ઢીકાપાટુ મારી ખૂનની ધમકી દીધાનું વિનોદશંકર વ્યાસે ફરિયાદમાં જણાવ્યું છે. એ ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.વી.સાખરા સહિતના સ્ટાફે અંજારના બિજોય ઉર્ફે વિનોદ ઠક્કર સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.