ઇન્સ્યુરન્સ એક્ઝિક્યુટીવે ૨૨૫ જેટલા ગ્રાહકની વિમાની રકમનો અંગત ઉપયોગ કરતા ઉચાપતનો નોંધાતો ગુનો
ટાગોર રોડ પર આવેલા અતુલ મોટર્સ પ્રા.લી.માં ઇન્સ્યુરન્સ એક્ઝિકયુટીવે ૨૨૫ જેટલા ગ્રાહકના વિમા પોલીસીના રૂ.૧૯.૬૦ લાખનો અંગત ઉપયોગ કરી ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીત ગુજરી સોસાયટીમા બરસાના એપાર્ટમેન્ટમાં રહેતા સમર્થભાઇ અતુલભાઇ ચાન્દ્રાએ વિશ્વનગર શેરી નંબર ૯માં રહેતા અને ટાગોર માર્ગ પર અતુલ મોટર્સ પ્રા.લી.માં ઇન્સ્યુરન્સ એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતા પાર્થ રજનીકાંત ઠાકર સામે રૂ.૧૯.૬૦ લાખની ઉચાપત કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પાર્થ ઠાકર છેલ્લા બે વર્ષથી અતુલ મોટર્સમાં ઈન્સ્યુરન્સ એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતો હોવાથી તેને વાહનના વિમા પોલીસી લઇ કંપનીમાં જમા કરાવવાના હોય છે. પરંતુ પાર્થ ઠાકરે ૨૨૫ જેટલા વાહન માલિકના વિમાની પોલીસીના રૂ.૧૯.૬૦ લાખ કંપનીમાં જમા ન કરાવી અંગત ઉપયોગ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે પાર્થ ઠાકર સામે ગુનો નોંધી પી.એસ.આઇ. એ.જી.અબાસણા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.