બેન્કની કમ્પ્યુટર સિસ્ટમની ખામીનો લાભ ઉઠાવી ઓન લાઇન ટ્રાન્ઝેકશન કરી બેન્કને બુચ માર્યાની કબુલાત
આટકોટ ખાતે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ક્મ્પ્યુર સિસ્ટમની ખામીના કારણે બેન્ક ખાતેદારે લાભ ઉઠાવી રૂ.૧૦.૯૧ લાખ ઓન લાઇન ટ્રાન્ઝેકશન કરી ઠગાઇ કર્યાની ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા એસઓજી સ્ટાફે ચારેય શખ્સોની ધરપકડ કરી છે.
આટકોટના ગાયત્રીનરમાં રહેતા બેન્ક ઓફ ઇન્ડિયાના સિનિયર બ્રાન્ચ મેનેજર દિપમાલા દિનેશચંદ્ર અગ્રવાલે લીલાપુર ગામના પ્રકાશ ઉર્ફે અંકિત શાંતિલાલ હરસોરા, આટકોટના કલ્પેશ રાઘવ મેણીયા, બાબરા તાલુકાના કીડી ગામના અનિલ કેશુ ઝાપડીયા અને અમરાપુરના દિનેશ જયંતી ગઢાદ્રા નામના શખ્સો સામે રૂ.૧૦.૯૧ લાખની ઠગાઇ કર્યાની અને બેન્કને રૂ.૨૦ થી ૨૫ લાખનું નુકસાન કર્યા અંગેની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આટકોટના દિનેસ જયંતી ગઢાદ્રાનું બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતુ ધરાવે છે. તેને અન્ય ત્રણ શખ્સોની મદદથી પોતાના ખાતામાં ડેબીટ થયા વિના જ એટીએમ કાર્ડ અને માસ્ટર કાર્ડ તેમજ બેન્ક પેયઝપ એપ્લીકેશનનો ઉપયોગ કરી મોબાઇલથી ઓન લાઇન ટ્રાન્ઝેકશન કરી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પોલીસે ચારેય શખ્સો સામે ઠગાઇનો ગુનો નોંધી એસઓજી પી.આઇ. એમ.એન.રાણા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ, જયવીરસિંહ, સંજયભાઇ, અતુલભાઇ, દિનેશભાઇ અને રણજીતભાઇ ધાધલ સહિતના સ્ટાફે ચારેયની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.