તાજેતરમાં એક વિશાળ ઉલ્કાપિંડની દિશા બદલવાના પરીક્ષણ માટે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ અવકાશયાન તેની સાથે અથડાવ્યું હતું. આ કામગીરી એજન્સી દ્વારા ડાર્ટ મિશન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. હવે આ મિશન સંબંધિત એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે જે ઉલ્કાના ટુકડા સાથે અવકાશયાન ટકરાયું હતું તે ઉલ્કાના ટુકડા 10 હજાર કિલોમીટર સુધી ફેલાયા છે. તેની તસ્વીર પણ સામે આવી છે.
ઈટાલિયન ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી નવી તસવીરમાં જાણવા મળ્યું છે કે નાસાના ડાર્ટ અવકાશયાન દ્વારા ઈરાદાપૂર્વક તોડી પાડવામાં આવેલી ઉલ્કાના કાટમાળ હજારો કિલોમીટરના ત્રિજ્યામાં ફેલાયેલો છે.
’ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ’ અવકાશયાન ઇરાદાપૂર્વક 26 સપ્ટેમ્બરના રોજ ડિમોર્ફોસ નામની ઉલ્કા સાથે અથડાયું. ડિમોર્ફોસ વાસ્તવમાં ડિડમોસ નામનો ઉલ્કા પથ્થર હતો. આ પહેલું સંરક્ષણ પરીક્ષણ હતું જેમાં અવકાશયાનની અસરથી ઉલ્કાપિંડની ભ્રમણકક્ષામાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ડાર્ટ મિશન ટીમના સભ્યોનું કહેવું છે કે આ અથડામણથી ઉલ્કાપિંડની દિશા બદલાઈ છે કે નહીં તે જાણવામાં વૈજ્ઞાનિકોને લગભગ બે મહિનાનો સમય લાગશે. ડિમોર્ફોસ એ એક નાનો ચંદ્ર છે જે પૃથ્વીની નજીકની ઉલ્કા ડિડીમોસની પરિક્રમા કરે છે. નાસાના અધિકારીઓનું કહેવું છે કે આ ઉલ્કાપિંડથી પૃથ્વીને કોઈ ખતરો નથી, પરંતુ પરીક્ષણ માટે તે પૃથ્વીથી નિર્ધારિત અંતરે હોવાથી તેને પસંદ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં જો તેની દિશા બદલાય છે તો ભવિષ્યમાં આ જ રીતે પૃથ્વી માટે સંભવિત ખતરો ગણાતી ઉલ્કાઓની દિશા પણ બદલાઈ શકે છે. નાસાનું આ પહેલું આવું મિશન છે, જેણે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણા ગ્રહને બચાવી શકીએ છીએ.