“ઉશ્કેરાટ અને ઉગ્રતામાં વ્યક્તિ ખૂન તો કરી નાખે પરંતુ પછી “જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ મુકામ મુજબ ગયેલી જિંદગી પાછી મળતી નથી!”
‘ત્રણ ઘોડાની સવારી!’
પીઆઈ જયદેવે હવે પીસીબીના કાર્યાલયને ગોધરા કાંડ કોમી રાયોટના ગુન્હાઓનાં સીટનું પણ કાર્યાલય બનાવી દીધું. કચેરીમાં વધારાના ચાર કોમ્પ્યુટર ઓપરેટરો સાથે ગોઠવાયા દરરોજ ૩૦ થી ૪૦ સાક્ષીઓને કચેરીમાં બોલાવી તેમની પૂછપરછ કરી તમામના વિશેષ નિવેદનો કોમ્પ્યુટર ઉપર નોંધાતા હતા. જેટલા નિવેદનો લેવાય જાય તેની જાણ પોલીસ કમિશ્નરને કરતા તેઓ અમુક જથ્થામાં સાક્ષીઓને તેમની ચેમ્બરમાં બોલાવીને નોંધાયેલ વિશેષ નિવેદન અંગે ખાત્રી ખરાઈ કરતા. આ રીતે જયદેવ પીસીબી લાયસન્સ બ્રાંચ અને ગોધરાકાંડની સીટ એ તમામનું એકી સાથે ગાડુ ગબડાવ્યે જતો હતો.
‘તે સમયની પોલીસની મુસાફરી !’
આ સમય ગાળો એવો હતો કે જયદેવને દરેક અઠવાડીયે એકાદ કોર્ટ મુદત ઉંઝા કે મહેસાણા સેશન્સ કોર્ટની આવતી જ.
આ રીતે એક વખત જયદેવ મહેસાણા સેશન્સ કોર્ટમાં સાહેદી આપીને સાંજના સાડા ચારેક વાગ્યાની અંબાજી-દ્વારકા બસમાં રાજકોટ આવવા રવાના થયો. પરંતુ આ બસ મહેસાણા અને બહુચરાજી વચ્ચે એક ગામડામાં ખોટવાઈને ઉભી રહી ગઈ. ડ્રાઈવર કંડકટરે જાહેર કર્યું કે બસના એન્જીમાં મોટો ફોલ્ટ છે. રીપેર થતા ખૂબ સમય લાગશે. કદાચ બસને મહેસાણા પણ લઈ જવી પડે ! આથી તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા સાથે જયદેવ પણ તે વિચારતો હતો કે કોઈ વાહન બહુચરાજી સુધીનું મળી જાય તો ત્યાંથી વિરમગામ અને ત્યાંથી બીજા સાંધા કરી સુરેન્દ્રનગર થઈ રાજકોટ પહોચી જવાય પણ આ ગામડુ અને રસ્તો એવો અવાવરૂ હતો. કે લાંબા સમય સુધી કોઈ વાહન જ ત્યાંથી નીકળ્યું નહિ. આખરે એક ખાનગી જીપ નીકળતા જયદેવે યેનકેન પ્રકારે તેમાં સવારી કરી બહુચરાજી આવ્યો પણ ત્યાં સાંજના સવા છ વાગી ગયા હતા. જાણવા મળ્યું કે હવે વિરમગામની કોઈ બસ લગભગ ટુંકા સમયગાળામાં નથી. તે વિચારતો હતો કે જો અત્યારે જ વાહન વિરમગામનું મળી જાય તો સાંજના સવા છ વાગ્યે અમદાવાદથી ઉપડતી રાજકોટ માટેની ઈન્ટર સીટી ટ્રેન તેને વિરમગામથી મળી જાય કેમકે બેચરાજીથી વિરમગામનો પણ એકાદ દોઢ કલાકનો રસ્તો હતો. પરંતુ તે સમયે આટલો ટ્રાફીક હતો નહિ; જયદેવને થયું કે હવે આજની રાતતો આમને આમ અહિ તહિ જ કાઢવી પડશે.
આખરે ઘણો સમય રાહ જોયા બાદ એક ટ્રક ત્યાંથી નીકળતા જયદેવે તેને ઉભો રખાવી પુછયું કે કયાં જાય છે ? ડ્રાયવરે કહ્યું જાય છે તો રાજકોટ પણ વચ્ચે રસ્તામાં નાઈટ હોલ્ટ કરવાના છીએ આથી જયદેવે નકકી કર્યું કે વિરમગામ કે સુરેન્દ્રનગર જયાં સુધી જવાય ત્યાં જઈએ આગળની વાત આગળ તેમ કરી તે ટ્રકમાં બેસી ગયો.
‘વો ભૂલી હુઈ યાદે ! ’
જયદેવ ટ્રકમાં બેઠા પછી જોયું તો ડ્રાયવરા કાંઈક વિચિત્ર રીતે નીરખીને અને વારંવાર જયદેવ સાથે જોતો હતો. બહુચરાજી ગામ બહાર નીકળતા જ ડ્રાયવરે જયદેવને કહ્યું ચા-પાણી પી લઈએ જયદેવે કહ્યું મેં હમણા જ ચા પીધી છે. જો તમે જલ્દી ચા પી લો તો મને કદાચ વિરમગામથી ટ્રેનનું કનેકશન મળી જાય ‘ડ્રાઈવરે કહ્યું ભલે અને હાઈવે ઉપર જ આવેલી એક હોટલમાં તે કલીનર સાથે ચા પાણી પીવા ગયો એમ કહેવાય છે કે ડ્રાયવર અઢારમી કોમ એટલે કે માનવ સમાજમાં એક અલગ જ જાતી છે. જેની રહન સહન વાણી વ્યવહાર, વર્તન અને જીવન અન્ય લોકોથી કાંઈક જુદુ જ હોય છે. જયદેવે કેબીનમાં નજર ફેરવીને જોયું તો તેમાં જુદી જુદી જગ્યાએ જૂની ફિલ્મોના હીરો હીરોઈનોના ફોટાઓ ચોંટાડેલા હતા જયદેવે અનુમાન કર્યું કે ડ્રાયવર જૂની ફિલ્મો નો શોખીન હશે.
આખરે જયદેવની ઈન્તજારનો અંત આવ્યો ડ્રાયવરે સ્ટેરીંગ ઉપર બેસતા જ કલીનરને હુકમ કર્યો કે તું કેબીનમાંથી બહાર બોડીમાં સામાન ઉપર ચાલ્યો જા કેબીનમાં તારી જરૂર નથી. સામાન્ય રીતે દરેક ટ્રકમાં ડ્રાયવરનો રોફ પાકિસ્તાન આર્મીના સરમુખત્યાર જેવો હોય છે. ડ્રાયવર કહે, ઈચ્છે અને ધારે તે પ્રમાણે જ કલીનરને કરવાનું હોય છે. કેટલીક વખત તેમાં વાંધો પડે તો ડ્રાયવરે કલીનરને રોડ ઉપર અધ વચ્ચે જ ઉતારી દીધાની વાતો પણ સાંભળેલી કલીનર તુરત કેબીનમાંથી નીકળીને પાછળ બોડીમાં સામાન પર જતો રહ્યો.
આ દરમ્યાન પણ ડ્રાયવર જયદેવ સામે ફરી ફરીને અને ત્રાંસી આંખે પણ જોઈ લેતો હતો. જોકે જયદેવ ને શંકાનું કોઈ કારણ જણાતું નહતુ પણ પોલીસનો જીવ; દરેક બાબતમાં શંકા રાખવાની જ. તેને કારણે તે ડ્રાયવરની આ હાલ ચાલ અંગે વિચારી રહ્યો હતો, પણ તેને ખાસ ચિંતા એ હતી કે જો ટ્રક જલ્દી ચાલે અને વિરમગામ જલ્દી આવી જાય તો કદાચ ઈન્ટર સીટી એક્ષપ્રેસ ટ્રેન મળી જાય તો રાત જગો નહિ આ દરમ્યાન ડ્રાયવરે ટેપરેકર્ડર ચાલુ કરવા ખાનામાં પડેલી જૂની કેસેટોનાં ઢગલામાંથી એક કેસેટ જોઈને ચડાવી અને ગીતો ચાલુ થયા ગીત ચાલુ હતુ જીંદગી એક સફર હૈ સુહાના યહાં કલ કયા હો કીસને જાના…. જયદેવે તો આ ગીતના શબ્દોનો પોતાની જીંદગી સાથે તાલમેલ મેળવવા પ્રયત્ન કર્યો પરંતુ સાથે સાથે ટ્રક વિરમગામ સમયે પહોચાશે કે કેમ તેની પણ ચિંતા હતી તે સમયે તે રસ્તો કાંઈ સારો ન હતો રોડ ઉપર પુષ્કળ ખાડા ખડીયા પડેલા હતા તેથી ટ્રક ભરેલો હોય ડ્રાયવર ધીમેધીમે ચલાવી ખાડા ખડીયા તારવતો ચલાવ્યે જતો હતો. જયદેવે ડ્રાયવરને કહ્યું જો સાડા સાત આઠ વાગ્યા સુધીમાં વિરમગામ પહોચી જવાય તો મને રાજકોટની સીધી ટ્રેન મળી જાય આ સાંભળીને ડ્રાઈવરે ટેપરેકર્ડર બંધ કર્યું અને સીટ ઉપર જરા ટાઈટ થઈને જયદેવને પૂછયું કે સાહેબ આજથી વિસેક વર્ષ પહેલા તમે મૂળી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ? જયદેવે હવે શંકાથી અને કાંઈક અચરજ પામીને વિચાર્યું કે વિસવર્ષ પહેલાનું શું હોઈ શકે? કલીનરને કેબીનમાંથી બહાર બોડીમાં મોકલેલો તેથી કાંઈક શંકાતો હતી જ. થોડીવાર સુધી વિચાર્યા બાદ કાંઈ યાદ નહિ આવતા જયદેવે કહી દીધું ‘હા હું મૂળી ફોજદાર હતો પણ તેને ઘણા વર્ષો થઈ ગયા’
આ સાંભળીને ડ્રાયવરના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને જયદેવને કહ્યું ‘સાહેબ મને નીરખીને બરાબર જુઓ કાંઈ યાદ આવે છે? જયદેવે ડ્રાયવરની સામે તો બરાબર નીરખીને જોયું સાથે સાથે મૂળીમાં આ વ્યકિત અંગેનું પણ કાંઈક કનેકશન મળે તે માટે મગજ મારી ચાલુ રાખી ડ્રાયવર પીસ્તાલીસ પચાસ વર્ષની વયતો વટાવી જ ચૂકયો હશે. મૂછો અને નેણના વાળ પણ સફેદ થઈ ગયા હતા. આંખે સોનેરી રંગની ફ્રેમના ચશ્મા અને બે દિવસથી દાઢી નહિ બનાવી હોય તેથી ગાલ ઉપર સફેદ વાળ ફૂટી નીકળ્યા હતા મોઢા ઉપરના હાવ ભાવ જોતા ચહેરા ઉપર પડેલી કરચલીઓ ઉપરથી એવું જણાતું હતુ કે આ વ્યકિત ખૂબ પરેશાની અને મુશ્કેલીમાંથી પસાર થયેલો હશે માથાના વાળ પણ માથે બાંધેલ કચ્છી ડીઝાઈનના કથ્થાઈ મેલ ખાયામાંથી સફેદ લટો રૂપે ફરફરી રહ્યાં હતા તે વારંવાર જયદેવ સામે જોતો હતો, જમણે હાથ સ્ટેરીંગ ઉપર સતત રહેતો હતો તો ડાબો હાથ કયારેક ગીયરની દાંડી ઉપર આવતો હતો તેના હાથની રૂંવાટી પણ સફેદ થઈ ગઈ હતી અને હાથ ઉપર જાડી સીંદરી જેવી રગો ઉપસી આવેલી હતી.
જયદેવે ડ્રાયવરની ભાષા અને બોલવાના લઢણ ઉપરથી તે ચોકકસ કયાંનો છે તે નકિક કરવા વિચારી રહ્યો હતો કેમકે ટ્રક તો રાજકોટ પાસીંગનો હતો પણ ડ્રાયવર રાજકોટનો જણાતો ન હતો, જયદેવે મનમાં જસદણ જેતપૂર ધોરાજી પોરબંદર વાંકાનેર, લોધીકા કે અમરેલી જિલ્લા અંગે વિચાર્યું પણ કાંઈ તાળો મળ્યો નહિ લાંબો સમય સુધી જયદેવ નકકી નહી કરી શકતા આખરે ડ્રાયવરે જ કહ્યું સાહેબ મને નીરખીને જુઓ તમે મને ખૂન કેસમાં પકડીને આજીવન કેદની સજા કરાવેલી ! જયદેવે વિસ વર્ષ પહેલા કરેલી ખૂન કેસોની તપાસો યાદ કરી પરંતુ એકાદ બે ખૂન કેસની તપાસ કરી હોય તો કાંઈક યાદ આવે પણ સરેરાશ મહિને એક આવા ગુન્હાની તપાસો થયેલી હોય અને આટલા લાંબા સમયે તે વખતના સંજોગો, પહેરવેશ, શરીરના રંગઢંગમાં ખાસ્સુ પરિવર્તન આવેલું જ હોય પછી શું યાદ આવે?
જયદેવને કાંઈ યાદ નહિ આવતા ડ્રાઈવરે જ વાત ચાલુ કરીને કહ્યું ‘સાહેબ તમને તો કયાંથી યાદ આવે આજથી અઢારેક વર્ષ પહેલા મૂળી ગામના લીમલીયા વિસ્તારમાં મારામારી ખૂન થયેલું, યાદ આવ્યું? જયદેવને તૂર્ત જ આખો કિસ્સો ફિલ્મની માફક મગજમાં આવી ગયો કયાં એ ગુન્હાનો ઉંચો પાતળો, દમદાર મગરૂર યુવાન આરોપી અને કયાં આ ટ્રક ડ્રાઈવર, સૂર્યાસ્ત પછી ઢળી પડેલી સંધ્યા જેવી વૃધ્ધાવસ્થાના દરવાજે આવી ગયેલી વ્યકિત ! જયદેવે કિસ્સો યાદ આવ્યો એટલે કહ્યું હા બરાબર બધો ખ્યાલ આવી ગયો તેણે કહ્યું બધો ખ્યાલ નહિ આવ્યો હોય સાહેબ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે મને આજીવન કેદની સજા ફટકારેલી ત્યાં સુધીનો જ તમને ખ્યાલ હશે. ત્યાર પછી જેલની ચાર દિવારોમાં કઈ રીતે દિવસો કાઢ્યા હોય તે તમને ખબર નહિ હોય એ જેલની કાળ કોટડી કુટુંબ કબીલાથી વિરહ જેલનું ખાણુ વિગેરે શું શૂં થયું શું વિત્યુ મારી ઉપર તમને કેમ વાત કરૂ? જયદેવે સહજ રીતે કહ્યું એ તો મને ખબર ન હોય પરંતુ અમુક કેદીઓ આત્મહત્યા કરી લેતા હોય છે. તેમજ અમુક કેદીઓના પેરોલ જામીન અંગેની અરજીઓની તપાસ દરમ્યાન અમુક વ્યકિતઓ પાસેથી આ ચાર દિવાલો અને તેની વચ્ચેનો સમય પસાર થતો જ નથી અને તે સમય કેટલોવસમો હોય છે આથી જ સમાજમાં કહેવાય છે કે એકાંતમાં માણસ કાંતો ગાંડો થઈ જાય અથવા તો પંડીત (ફીલોસોફર)બની જાય. ડ્રાઈવરે કહ્યુંં ‘હા બરાબર હું ગાંડો જ થઈ જવાનો હતો પણ ભલુ થજો પેલી ‘ખજુરીયા (હજુરીયા)’ સરકારનું કે દિલ્હી ખાતે મારી અપિલ અરજી પડી હતી. તેમાં આ ટુંકા ગાળા માટે આવેલા મુખ્યમંત્રીની સરકારે સારી ભલામણ કરી દેતા મારો ચૌદ વર્ષે એ કાળમીંઢ પથ્થરોની કાળમૂખી દિવાલોમાંથી છૂટકારો થયેલો એ વર્ષો નહિ એક એક દિવસ મેં એક એક યુગ જેવો પસાર કરેલો. પણ એ આશા એ કે એક દિવસ હું ચોકકસ છૂટીશ અને છૂટયો પણ ખરો અને ઘેર આવી ને જોયું તો ખંઢેર જેવું થઈ ગયેલ મકાન, નુર વગરના કુટુંબના સભ્યો ખાવાના પણ સાંસા હતા હું જેલમાં ગયા પછી કેસ લડવા તથા જેલમાંથી છૂટવા માટેની કાર્યવાહીમાં ખેતી માટેની જમીન દરદાગીના વેચાઈ ગયા હતા. મારે હવે શું કરવું આખરે મેં જીવન નિર્વાહ માટે બીજો કોઈ ધંધો નહિ સુઝતા આ ડ્રાઈવીંગ ચાલુ કર્યું છે કેમકે પાકા ઘડે કાંઈ કાંઠા ચડે નહિ તેમ છતા મારે મજબુરીથી પણ આ ધંધો કરવો પડયો છે. જયદેવે કહ્યું તમે સારૂ જ કર્યું છે. નવુ જીવન ચાલુ કરવા આતો આ ધંધે તો લાગી ગયા?
ડ્રાયવરે અણગમાથી અને કાંઈક કડવી વ્યથાથી કહ્યું તે તો કર્યુ પણ મારી જુવાનીનાં એ દિવસો કાળકોટડીમાં ગયા તે અને આ મોંઘવારીમાં વેચાયેલ સંપતિ હવે કયાંથી આવવાની? મને આ બાબતો જપેલા ફીલ્મ ગીત ‘વો ભૂલી હુઈ યાદે, મુજે ઈતના ના સતાઓ, મુઝે ચેન સે રહે ને દો, મુઝે યાદ ના આવો…’ તે પ્રમાણે સતત ભૂલવા કોશિષ કરૂછું પણ ભુલાતુ નથી ત્યાં આજે એ કડવી યાદો આ તમારા સ્વરૂપે સામે જ આવી ગઈ ! જયદેવને હવે અનિચ્છાએ પણ આ વાતો અને ફીલોસોફી ચલાવવી જ પડે તેમ હતી જયદેવે કહ્યું ‘માણસો તો ઈશ્ર્વરના પ્યાદા છે. તે જેમ ચલાવે તેમ ચાલવું પડે અને જીંદગીના તમામ દિવસો એક સરખા, જતા નથી, જીંદગીમાં તડકો છાંયો આવ્યા કરે જતો રહેતો હોય છે. પેલી ફિલ્મના ગીત મુજબ ‘જીંદગી કે સફર મેં ગુજર જાતી હૈ જો મુકામ ફીર નહિ આતી, ફીર નહિ આતી…’ આથી પરિસ્થિતિને સહન કર્યા કે માણ્યા સિવાય છૂટકો જ નથી આ ઘટના ક્રમતો રાજારામના સમયથી ચાલ્યો આવે છે.
ડ્રાયવરે પોતાની લાગણી અને આપવિતી જણાવ્યા પછી તેના ચહેરા પર હળવાશ અને ઉમંગ જણાતો હતો ડ્રાયવરે જયદેવને કહ્યું સાહેબ જો રાતોરાત તમારે રાજકોટ પહોચવું હોય તો અમે મૂળી નાઈટ હોલ્ટ કરવા ના હતા તેને બદલે સીધા નીકળી જઈએ. જયદેવ કહ્યું ‘ના, મને લાગે છે કે જો પાંચ દસ મીનીટ પણ ટ્રેન લેઈટ હશે તો વિરમગામથી મળી જશે’ આ પછી તો ડ્રાયવરે ટ્રકની જરા પણ દયા રાખ્યા સિવાય ઉબડ ખાબડ રોડ ઉપર બરાબર ઝડપથી ટ્રક ચલાવવાનું ચાલુ કર્યું જોગાનું જોગ વિરમગામનું કંટાળા જનક રેલવે ફાટક પણ ખૂલ્લુ જ હોય ડ્રાયવરે પૂરઝડપે ટ્રકને ફાટકમાંથી પસાર કરી બજારમાં થઈ ટ્રક રેલવે સ્ટેશન કંપાઉન્ડમાં જ સીધો લીધો. બીજી તરફ રાજકોટ ઈન્ટર સીટી એકસપ્રેસ ટ્રેન પણ વિરમગામના પ્લેટફોર્મ ઉપર આવી રહી હતી ડ્રાયવરે ટ્રકને વીઆઈપી કારની માફક રેલવે સ્ટેશનના પોર્ચમાં જ ઘુસાડીને ઉભો રાખી બે હાથ જોડીને કહ્યું ‘લ્યો સાહેબ મારૂ કામ પૂરુ !’
જયદેવ ટ્રેનમાં બેઠો બેઠો વિચારતો હતો કે ક્ષણીક આવેગમાં આવીને વ્યકિત સામેની વ્યકિતનું તો ખૂન કરી નાખે છે. અને તેના કારણે મરનારનું કુટુંબતો બરબાદ થાય છે પણ ખૂન કરનારની પોતાની જીંદગી અને તેના કુટુંબની જીંદગી પણ બરબાદ થતી હોય છે. વ્યકિતના જીવનમાં કેવા કેવા મુકામ આવતા હોય છે. અને માણસો પણ મને કે કમને પોતાના ખ્યાલો પોતાની મસ્તી મૂજબ કેવા જીવ્યે જતા હોય છે.
રાજકોટ શહેર ફરતેની ભૂગોળ !
મોડીરાત્રે જયદેવ રાજકોટ તો પહોચી ગયો પણ પહોચતા જ સમાચાર મળ્યા કે નવા આવેલા પોલીસ કમિશ્નરે બદલીનો ઘાણવો કાઢ્યો છે. અને તેમાં જયદેવને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નીમણુંક મળી છે.
જયદેવ જામટાવર સામે જૂની એસ.આર.પી. કચેરીનાં બિલ્ડીંગમાં આવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયો તે સમયે તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર સિવાય તો સમગ્ર રાજકોટ તાલુકો સરધાર અને કુવાડવા આઉટ પોસ્ટ સાથે ૧૦૪ ગામોનો સમાવેશ થતો હતો. રાજકોટ શહેર ફરતા તમામ હાઈવે જેમાં પશ્ર્ચિમ દિશામાં આવેલ જામનગર ઘંટેશ્ર્વર રોડ અને કાલાવડ ખીરસરા રોડ, દક્ષિણે ગોંડલ લોધીકા, કોઠારીયા રોડ, પૂર્વે ભાવનગર સરધાર રોડ અને અમદાવાદ કુવાડવા રોડ ઉત્તરે મોરબી કચ્છ હાઈવે આવેલા હતા જે તમામ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હતા. રાજકોટ શહેરમાં ગુનેગારો પોતાના અંગત વાંધા વચકામાં સામે વાળાના ખૂન કરી ને તેની લાશો રાજકોટ શહેર બહારના ભાગે આવેલા આ હાઈવેની બાજુમાં ફેંકી જતા. તેથી ફરિયાદતો સૌ પ્રથમ વણ ઓળખાયેલ લાશની વણ શોધાયેલ ગુન્હાની જ નોંધાતી પરંતુ પીઆઈ જયદેવ અને રાયટર રણજીતસિંહે આ ગુનેગારોની ખો એ રીતે ભૂલવાડેલી કે ગુન્હા શોધી કાઢીને ન્યાયની અદાલતમાં ગુનેગારોને સજાજ થાય. તેવી તપાસો કરી ઉદાહરણ રૂપ કાર્યવાહી કરેલી (સાંયોગીક પૂરાવાઓ એકઠા કરીને) તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરી ઉપરાંત પેલા ગોધરા કાંડ સીટના ગુન્હાઓની ફેર તપાસતો હજુ જયદેવે સમયાંતરે કર્યે જતો હતો.