મોડીરાતે કારમાં ચક્કર મારવા નીકળેલા મિત્રોના મોતથી અરેરાટી: જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર
અમરેલીના લાઠી રોડ પર આવેલા કૈલાશ મુક્તિધામ પાસે ટ્રક અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાર યુવાન મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજતા અરેરાટી મચી ગઇ છે. જીવલેણ અકસ્માત સર્જી ભાગી છુટેલા ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાઠી રોડ પર આવેલા કૈલાશ મુક્તિધામ પાસે પસાર થઇ રહેલી જી.જે.૫સીડી. ૬૨૫૫ નંબરની એસન્ટ કાર સાથે જી.જે.૧૧ટીટી. ૬૯૭૧ નંબરનો ટ્રક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
કારમાં મોડીરાતે ચક્કર મારવા નીકળેલા તૌફિક ગફાર અમદાની (ઉ.વ.૨૩), ફઝલખાન દીયા (ઉ.વ.૨૩), અકરમ લંઘારા (ઉ.વ.૧૮) અને આસિફ હનિફ કેશીરી (ઉ.વ.૨૫) કૈલાશ મુક્તિધામ પાસે પહોચ્યા ત્યારે પુર ઝડપે ઘસી આવેલા ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં તૌફિક, ફઝલખાન અને અકરમના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને આસિફ હનિફ કેશીયાનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નીપજયા છે.અકસ્માત સર્જી ભાગી છુટેલા ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.