રાજકોટના બે યુવાન, કાર ચાલક, ફતેપુરના ટ્રેકટર ચાલક ઘટના સ્થળે જ કાળનો કોળીયો બન્યા: ગમખ્વાર અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો
પડધરી નજીક તરઘડી ગામ પાસે મોડીરાતે ટ્રેકટર પાછળ કાર અથડાતા રાજકોટના બે યુવાન, કાર ચાલક અને ફતેપુરના ટ્રેકટર ચાલક સહિત ચારના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ગમખ્વાર અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો છે. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ પહોચી હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ફતેપુરના કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા નામના 40 વર્ષના પટેલ યુવાન પોતાનું ટ્રેકટર લઇને પડધરી તરફ જઇ રહ્યા હતા ત્યારે પાછળથી પુર ઝડપે ઘસી આવેલી કારના ચાલકે આગળ જતું ટ્રેકટર ન દેખાતા ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા મુળ લીલી સાજળીયાળીના વતની અને રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા અજય પ્રવિણભાઇ જોષી (ઉ.વ.28), કાલાવડ રોડ પર રહેતા અજય છગનભઆઇ પરમાર (ઉ.વ.20) , જામનગર ઠેબા ચોકડી પાસે રહેતા કાર ચાલક હિમાન્શુ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.32) અને ફતેપુરના ટ્રેકટર ચાલક કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા (ઉ.વ.40)ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.
તરઘડી પાસે મોડીરાતે આગળ જતા ટ્રેકટરની ટોલીમાં પાછળની લાઇટ ન હોવાથી પુર ઝડપે જઇ રહેલા કાર ચાલક હિમાન્શુ ઉર્ફે નુર પરમારને ટ્રેકટર દેખાયુ ન હોવાથી ધડાકાભરે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની તિવ્ર ગતિના કારણે ટ્રેકટરની ટોલી છુટી પડી ગઇ હતી અને ટ્રેકટર પલ્ટી ખાતા ટ્રેકટર ચાલક કિરીટભાઇ ડોબરીયાનું મોત નીપજ્યું હતું. અકસ્માતના કારણે તરઘડી પાસે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હોવાની પોલીસને જાણ થતા પી.એસ.આઇ. એમ.ડી.મકવાણા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ દાફડા, કુલદીપસિંહ ઝાલા અને રણજીતભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ચારેય યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે કારમાં બેઠેલા ત્રણેય યુવકના મોબાઇલના કોલ ડીટેઇલના આધારે મેળવી ત્રણેય મૃતકના પરિવારને જીવલેણ અકસ્માત અંગેની જાણ કરી હતી.
રાજકોટથી ત્રણેય શખ્સો જામનગર માથાકૂટ કરવા જતા’તા
કારમાંથી છરી અને દારૂની બોટલ મળી
તરઘડી પાસે ટ્રેકટર પાછળ કાર અથડાતા ટ્રેકટર ચાલક સહિત ચારના મોત નીપજ્યા બાદ પોલીસ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન કાર ફોર્ડ ફિયાસ્તા 6403 હોવાનું અને તે અમેરિકા સ્થિત બ્રજેશ કનેરીયાના નામની છે. બ્રિજેશ કનેરીયા પોતાના રેલનગરમાં રહેતા વિજયસિીંહ ઝાલાને આપી હતી. તેની પાસેથી ગઇકાલે જામનગરના શક્તિદાન ગઢવી અને હિમાન્શુ પરમાર લઇ ગયા હતા. હિમાન્શુને જામનગરમાં મુસ્લિમ શખ્સ સાથે માથાકુટ ચાલતી હોવાથી તેના પર હુમલો કરવા માટે જઇ રહ્યા હોવાનું જાણવા મળે છ.ે કારમાંથી દારુની બોટલ અને છરી મળી આવ્યા છે.