રાજસ્થાન લગ્ન પ્રસંગમાં જતી વેળાએ ખાનગી બસે ઇકોને ઠોકરે લેતા સર્જાઇ કરૂણાંતિકા: બેની હાલત ગંભીર
ગોઝારા અકસ્માતને પગલે હાઈ- વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો: પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
રાજકોટ રહેતા છ યુવાનો રાજસ્થાન લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ઇકો કાર બાંધીને જઈ રહ્યા હતા ત્યારે લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલા કટારિયા ગામ નજીક ખાનગી બસ ચાલકે ઇકોને ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળ પર જ ચાર યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જ્યારે બે યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો કટારિયા ગામ પાસે દોડી ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજકોટમાં રહેતા સાગરભાઇ જગદીશભાઈ વૈષ્ણવ, ઈમરાન ભાઈ કરીમભાઈ, અનિલભાઈ, સંદીપભાઈ, રાજભાઈ લીંબળ અને રાઘવભાઇ રાજસ્થાન લગ્ન પ્રસંગમાં જવા માટે ઇકો કાર બાંધીને ગતરાત્રે રાજકોટ થી નીકળ્યા હતા. તે દરમ્યાન વહેલી સવારે લીંબડી નજીક કટારિયા ગામ પાસે ખાનગી બસ ઇકો ને ઠોકર મારતા સાગરભાઈ વૈષ્ણવ, ઈમરાનભાઈ કરીમભાઈ, અનિલભાઈ અને સંદીપ ભાઈના કમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે રાજભાઈ અને રાઘવભાઇ ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગત રાત્રે રાજકોટથી ઇકો કાર બાંધીને છ વ્યક્તિ રાજસ્થાન લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળી રહ્યા હતા તે દરમિયાન વહેલી સવારે લીંબડી નજીક કટારિયા ગામ પાસે ખાનગી બસના ચાલકે ઇકો કાર ને ધડાકાભેર ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તો સામે પૂરઝડપે આવતી ખાનગી બસમાં પણ ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને કાર અને બસને જુદી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આ ગોઝારા અકસ્માતના પગલે એક સાથે રાજકોટના ચાર યુવાન કાળનો કોળીયો બન્યા હતા જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં લીંબડી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના પગલે પોલીસે મૃતકોના પરિવારજનો અને રાજકોટ ખાતે જાણ કરતાં પરિવારજનો પણ તાબડતોડ લીંબડી ખાતે દોડી આવ્યા હતા. એક સાથે ચાર ચાર યુવાનોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે તમામ મૃતદેહોને લીંબડી હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાઈવે પર થયેલા ટ્રાફિક જામની ક્લિયર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.