રસ્તે ચાલવાના પ્રશ્ર્ને થયેલી માથાકૂટની પોલીસ ફરિયાદના કારણે તમંચામાંથી કરાયું ફાયરિંગ: ધ્રાંગધ્રાંમાં મકાન પર થયો ગોળીબાર
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાં અને ચોટીલા તાલુકાના કુંઢડા ગામે ફાયરિંગની ઘટના પોલીસમાં નોંધાઇ છે. કંઢુડામાં રસ્તે ચાલવા જેવી બાબતે થયેલી બોલાચાલીના કારણે ચાર શખ્સોએ તમંચામાંથી ફાયરિંગ કરતા ત્રણ બાળકો સહિત ચાર ઘવાયા હતા જ્યારે ધ્રાંગધ્રાંમાં મુસ્લિમ પરિવારના બંધ મકાન પર ગોળીબાર થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુંઢડા ગામે રહેતા દાનાભાઇ રાઠોડ અને શિવરાજભાઇ ધાધલ વચ્ચે રસ્તે ચાલવાના પ્રશ્ર્ને બોલાચાલી થતા ચારેક દિવસ પહેલાં શિવરાજભાઇ ધાધલે લાફો મારી ભડાકે દેવાની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
શિવરાજભાઇ ધાધલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા શિવરાજભાઇ ધાધલ ઉશ્કેરાયા હતા અને તેઓ પોતાની સાથે સુરેશભાઇ ધાધલ, ભુરા જેવો શખ્સ અને એક અજાણ્યો શખ્સ દાનાભાઇ રાઠોડના ઘરે તમંચા સાથે ઘસી ગયા હતા ત્યારે માવજી નાથા ઘરે હાજર હોવાથી તેની સાથે ઝઘડો કરી એક રાઉન્ડ ફાયરિંગ કરતા માવજી નાથા, ચાર વર્ષના કેતન, આઠ વર્ષની નયના અને ચતુર માવજીને છરા લાગતા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાં માવજી નાથાની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. પી.એસ.આઇ.ય એચ.એલ.ઠાકરે ચારેય સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જ્યારે ધ્રાંગધ્રાંના મિરાદાતાર પાછળ મિડલ પોઇન્ટની સામે રહેતા સલીમભાઇ મહંમદભાઇના મકાન પર અજાણ્યા બે શખ્સે ફાયરિંગ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. કે.ડી.જાડેજા અને ડી સ્ટાફના ભરતભાઇ સિતાપરા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યાનું જણાતા બંને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.