ફિલ્ડ માર્શલ કારખાનામાં ચોરી કરવા જતાં ચારેયને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા: ચાર પૈકી એકના લગ્ન કરવા માટે અને બીજાને પોતાનું લગ્ન જીવન ટકાવવા પૈસાની જરૂરીયાતને પહોચી વળવા ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત
શહેરના ૮૦ ફુટ રોડ પર આવેલા ફિલ્ડ માર્શલ નામના કારખાનામાં ચોરી કરવા જઇ રહેલા ચાર તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લેતા ચારેય શખ્સોએ સોરઠીયા વાડી સર્કલ પાસે બેન્કમાં અને મવડી ચોકડી પાસે ફાયનાન્સ કંપનીમાં ચોરીનો પ્રયાસનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે. ચારેય તસ્કરો પૈકી એકને લગ્ન કરવા હોવાથી અને બીજાએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી આર્થિક જરૂરીયાત પુરી કરવા ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે.
૮૦ ફુટ રોડ પર આવેલા ફિલ્ડ માર્શલ કારખાના પાસેથી સત્યમપાર્કના રવિ કૌશિક ચૌહાણ, જસદણના મોઢુકા ગામના અનિલ જયંતી તાવીયા, મોઢુકાના રાહુલ રમેશ તાવીયા અને વિછીયાના ઓરી ગામના વિશાલ કાબા કોળી નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
ચારેય તસ્કરોએ વિછીયાના ઓરી ગામના દિપક બુધા સરવૈયા અને મોઢુકાના સાહિલ રહીમ લોહીયા નામના શખ્સોની મદદથી સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં ગત તા.૮મીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત મવડી વિસ્તારમાં આવેલી મણીપુરમ ફાયન્સ કપંનીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે.
રવિ ચૌહાણને સાદી ડોટ કોમના માધ્યથી મધ્યપ્રદેશની યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી પૈસાની જરૂર હોવાથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અનિલ તાવીયાએ દોઢેક માસ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેને લગ્ન જીવન ટકાવવા પૈસાની જરૂર હોવાથી ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે. પોલીસે ચોરીના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા દિપક સરવૈયા અને સાહિલ લોહીયાની શોધખોળ હાથધરી છે.