શિવસેનાના કાર્યકરે બિલ્ડિંગનાં પીલર સાથે ગેરકાયદે છેડછાડ કરતા બની ગમખ્વાર ઘટના
ઘાટકોપર કાતે એલબીએસ રોડ પર શ્રેયસ ટોકીઝ પાસે દામોદર પાર્ક નજીક ૪ માળની ઈમારત સાંઈદર્શન જમીનદોસ્ત થઈ ગઈ હતી. જેમાં ૩ માસની બાળકી સહિત ૧૭નાં મોત થયા હતા.
આ દુર્ઘટનામાં નવ વ્યકિતને ઈજા પહોચી છે. જયારે ૧૬ને ઉગારી લેવાયા હતા. ઘાયલોને નજીકની રાજાવાડી તેમજ અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની શંકા પરથી ફાયરબ્રિગેડ સહિતની વિવિધ એજન્સીઓ યુધ્ધને ધોરણે રાહત કામગીરીમાં લાગી પડી હતી
આ ઈમારતમાં ૧૫ ફલેટ હતા. જેમાં ઈમારતનાં ભોંયતળીયે આવેલી હોસ્પિટલમાં રીપેરીંગ વેળાએ ઈમારતનાં પિલરોને નુકશાન પહોચતા ઈમારત ધરાશાયી થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે.
આ ઈમારત ૩૦ વર્ષ જૂની હતી અને આ ઈમારતની હોનારતની જાણકારી મળતા અગ્નિશામક દળ, હોસ્પિટલ સ્ટાફ વિગેરે બચાવ દળ સાથે ઘટના સ્થળે ઘસી ગયા હતા. તેમણે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા સીમેન્ટના સ્લેબ તોડવા ડ્રીલીંગ મશીન, ગેસકટરનો ઉપયોગ કર્યો હતો.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે હોસ્પિટલમાં ચાલતા રીનોવેશન કામને કારણે પિલરને નુકશાન કરાયું હતુ આ બારામાં મામલો પોલીસ મથકે પહોચ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી સમયસર થઈ ન હતી. હવે દુર્ઘટના ઘટી ગયા પછી પોલીસ અને પાલીકાએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
બચાવ કામગીરી દરમિયાન અગ્નિ શામક દળના બે લોકો ઘાયલ થયા હતા. આ ઈમારત ૩૫ વર્ષ જુની હતી. જેમાં ભોંયતળીયું ઉપરાંત ૪ માળ હતા.
શિવ સેનાના કાર્યકર સુનિલ સિતપે ભોંયતળીયે આવેલા તેના મેટરનીટી હોમમાં રીનોવેશન માટે પીલર સાથે ગેરકાયદે છેડછાડ કરતા ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી.