૬.૪ની તીવ્રતાના ભુકંપથી તાઈવાનમાં અનેક બિલ્ડીંગ ધરાશાયી તાઈ સિંગ નામના ચાર વર્ષીય ડોગે બે લોકોના જીવ બચાવ્યા
કુતરો પ્રથમ પાલતું પ્રાણી ગણાય છે તે વફાદારીનો પર્યાય છે. ટ્રેઈન કરેલા હોય તો માનવીય તર્કથી પણ એક ડગલું આગળ હોય છે ત્યારે લેબ્રાડોર ડોગ તાઈવાનમાં હીરો બની ગયો છે. તાજેતરમાં તાઈવાનમાં આવેલા ભુકંપથી અફરાતફરી મચી ગઈ હતી અને બિલ્ડીંગો ધરાશાયી થતા સેંકડો લોકો ફસાયા હતા. આ ઘટનામાં લેબ્રાડોર ડોગે બે મજુરોને બચાવવાની સરાહનીય કામગીરી કરી છે.
સ્નીફર ડોગ તેની સુંઘવાની શકિત દ્વારા રેસ્કયુ ટીમને ભારે મદદ કરે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ લેબ્રાડોરે પુરુ પાડયું છે.તાઈવાનમાં ૬.૪ની તીવ્રતાના ભુકંપના આચંકાથી ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. ભુકંપના કારણે લગભગ દસ લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે, આ લેબ્રાડોર ડોગનું નામ તાઈ સિંગ છે તે ચાર વર્ષનો છે. ભુકંપમાં ફસાયેલા લોકોના જીવ બચાવ્યા બાદ તેનું નામ આર્યન હીરો પડી ગયું છે. તેમજ તેને ઈનામ પણ અપાયું છે. ભુકંપથી બિલ્ડીંગ પડી જતા ૧૫ કલાક સુધી એક વ્યકિત ફસાઈ હતી જેને તાઈ હસિંગે શોધી કાઢી જીવ બચાવ્યો હતો. નવું જીવનદાન આપવા બદલ લોકોએ આ કુતરાનો આભાર માન્યો હતો.