- પોપટપરામાં આર્થિક ભીંસથી કંટાળી ફૂડ ડિલિવરી બોયનો આપઘાત: બેડી ગામે બીમારીથી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું
- ખોરાણા ગામે જમવા બાબતે માતા સાથે બોલાચાલી થતા પુત્રએ કર્યો આપઘાત: પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પિતાએ કૂવામાં ઝંપલાવ્યું
શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચાર આપઘાતની ઘટનાઓ સામે આવી છે. જુદા જુદા કારણોસર રાજકોટમાં અનેક પરિવારના માળા પીખાયા છે. જેમાં પોપટપરામાં ઝોમેટોની ડિલિવરી બોય તરીકે નોકરી કરતા યુવાને આર્થિકભીંસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. તો અન્ય બનાવમાં બેડી ગામે બીમારીથી કંટાળી યુવકે જીવન ટૂંકાવી લીધું હતું. ત્રીજા બનાવમાં માતા સાથે જમવા બાબતે બોલાચાલી થતા પુત્રએ વખ ઘોળ્યું હતું. તો ચોથા બનાવમાં પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાતા પિતાએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં પોપટપરા મેઇન રોડ રઘુ નંદન સોસાયટીમાં રહેતા અને ઝોમેટોમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતા આદીત્ય દીનેશભાઇ સોલંકી નામના ૨૧ વર્ષના યુવાન પોતાના ઘરે હતો ત્યારે ગળાફાસો ખાઇ લીધો હતો. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આદિત્ય સોલંકી તેના માતા પિતાને એકનો એક પુત્ર હતો. માતા પિતા બેટી ગામે સબંધીને ત્યાં જમવા માટે ગયા હતા. ત્યાથી પિતાએ આદિત્યને જમવા માટે કોલ કર્યો હતો. પરંતુ કોલ રિસીવ નહિ થતા પાડોશી મહિલાને જાણ કરતા મહિલા ઘરે જતા આદિત્ય લટકતી હાલતમાં જોવા મળતા તેના પિતાને જાણ કરી હતી. આદિત્ય પરમારે આર્થિક ભીંસથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં બેડી ગામે રહેતા હાર્દિક કિશોરભાઇ દાણોદ્રા (ઉ.વ.૧૯)એ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાર્દિકના છ માસ પહેલા લગ્ન થયા હતા. લગ્નના બે માસ બાદ અકસ્માત નડતા માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી. જેને કારણે અવારનવાર તેને માથુ દુઃખતું હતું. ઉપરાંત ચક્કર પણ આવતા હતા. જેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં ખોરાણા ગામે નાગજીભાઈ ગોંડલીયાની વાડીએ રહેતા મૂળ દાહોદના ચિરાગ રમણભાઈ ડામોર (ઉ.વ.૨૨)એ ગઇ તા. ૧૫ના રોજ ઘરે ઝેરી દવા પી લેતા સિવિલમાં ખસેડાયો હતો. એકાદ દિવસ પહેલા રજા લઇ જતો રહ્યો હતો. આજે તબિયત લથડતા ફરીથી સિવિલમાં લઇ અવાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તેને જમવા બાબતે માતા સાથે ઝગડો થતાં આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યાનું કુવાડવા રોડ પોલીસના સુત્રોએ જણાવ્યું હતું.વર્ષોથી ચિરાગનો પરિવાર ખોરાણાની વાડી વાવી ત્યાં જ રહે છે. ઉપરોક્ત ત્રણેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં લાલબહાદુર સોસાયટીમાં આહીર ચોક પાસે રહેતા મનહરસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.૬૦) શનિવારે સાંજે વડાળી ગામે આવેલી પોતાની વાડીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને વાડીએ આંટોફેરો કરી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા.લાંબો સમય વિતવા છતાં તે પરત નહીં પહોંચતા મોડીરાતથી પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી અને રવિવારે વહેલી સવારે વડાળી ગામની સીમમાં આવેલા કૂવામાંથી તેમની લાશ મળી આવી હતી.
આ અંગે ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,મનહરસિંહના પુત્ર ક્રિપાલસિંહ જાડેજા સામે શનિવારે ક્રાઇમ બ્રાંચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. પુત્રએ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની જાણ થતા મનહરસિંહ ગુમસુમ થઇ ગયા હતા અને સમાજમાં આબરૂ જશે તેવી ભીતિથી તેમણે કૂવામાં પડતું મૂકી દીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.