ફેસબુકના માધ્યમથી પરિચયમાં આવેલા એગ્રોના વેપારી 25 ટકા ઓછા ભાવે સોનું ખરીદ કરવા આવતા છરી બતાવી રૂ.7 લાખ રોકડાની લૂંટ ચલાવ્યાની કબુલાત
લૂંટ ચલાવી રાજકોટ ગેબનશા પીરની દરગાહે સલામ કરવા આવેલા ચારેય શખ્સોને એસઓજીએ રોકડ અને કાર સાથે ઝડપી લીધા
રાજસ્થાનના એગ્રોના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ દઇ ભુજ બોલાવી ચાર શખ્સોએ છરી બતાવી રુા.7 લાખની લૂંટ ચલાવી રાજકોટના જંકશન પ્લોટમાં ગેબનશાપીરની દરગાહે સલામ માટે આવ્યાની બાતમીના આધારે એસઓજીના સ્ટાફે ચારેયને ઝડપી કાર અને રોકડ મળી રુા.14.61 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જંકશન પ્લોટમાં આવેલી ગેબનશાપીરની દરગાહ પાસે ગતરાતે જી.જે.18ઇએ.47 11 નંબરની ક્રેટા કારમાં ચાર શખ્સોની શંકાસ્પદ હીલચાલના આધારે એસઓજી પી.આઇ. જે.ડી.ઝાલા, એએસઆઇ ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, દિગ્વીજસિંહ ગોહિલ, અને હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે ચારેય શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા તે તુલશી મીલ પાસે રહેતા રમજાન કાસમશા શેખ, અમનશા જમાલશા શેખ, અલીશા કરીમશા શેખ અને ઇસભશા આલીશા શેખ હોવાનું અને તેઓએ ગત તા.9 જાન્યુઆરીએ રાજસ્થાનના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ દઇ ભુજ બોલાવી તેને છરી બતાવી લૂંટ ચલાવ્યાની રાજકોટ ગેબનશા પીરની દરગાહે સલામ માટે આવ્યાની કબુલાત આપી હતી.
એસઓજી સ્ટાફે આ અંગે ભૂજ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા ત્યાં ગત તા.9 જાન્યુઆરીએ રાજસ્થાના એગ્રોના વેપારી કૌશલકિશોર ત્રિલોકચંદ ગાલવના ફેશબુક પર પરિચય કેળવી પોતાનું અવિનાશ પટેલ નામ હોવાનું કહી રમજાનશા કાસમશા શેખે પોતે બોટ લઇને વિદેશ જતા હોવાથી ત્યાંથી મોટી રકમનું સોનું લાવ્યા છે તે સોનું બજાર કરતા 25 ટકા ઓછા ભાવે વેચવાનું કહી ભૂજ બોલાવ્યા હતા. સસ્તામાં સોનું ખરીદ કરવા આવેલા કૌશલકિશોર ગાલવ ને તેના મિત્ર હરીમોહન મીણા રુા.7 લાખ રોકડા લઇને 15 તોલા સોનું ખરીદ કરવા ભુજ આવ્યા ત્યારે બંનેને અવિનાશ પટેલના પોતાના મિત્ર જોગેશ પટેલ નામ ધારણ કરેલા અમનશા શેખને ક્રેટા કાર લઇને મોકલ્યો હતો બંને રાજસ્થાની મિત્રોને ભૂજથી પાંચ કી.મી.દુર લઇ ગયા બાદ અલ્ટ્રો અને બલેનો કારમાં અન્ય ત્રણ શખ્સો આવ્યા હતા તેઓએ છરી બતાવી રોકડ સાથેની બેગ પડાવી લીધા અંગેની ફરિયાદ નોંધાઇ હતી.ભૂજ પોલીસ ચારેય લૂંટારાનું મોબાઇલ લોકેશનના આધારે પગેરુ દબાવ્યું હતું. ચારેય શખ્સોએ લૂંટ ચલાવી ગીર વિસ્તારમાં બે દિવસ રોકાયા બાદ રાજકોટ આવ્યાની જાણ થતા ચારેયને ઝડપી લેવામાં એસઓજી સ્ટાફને સફળતા મળી છે. પોલીસે તેની પાસેથી રુા.2.35 લાખ રોકડા, ક્રેટા કાર અને પાંચ મોબાઇલ મળી રુા.14.61 લાખનો મુદામાલ કબ્જે કરી ચારેય શખ્સોને ભૂજ પોલીસને સોપી દીધા છે.