- યુજીસી દ્વારા બે વર્ષથી જુદા જુદા રાજ્યોની સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી રહી છે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ માટે લેવાનારી એન્ટ્રન્સ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશનની મુદત 31મી સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ રાજ્યની ચાર ખાનગી યુનિવર્સિટીઓએ પણ આ ટેસ્ટના આધારે અંડર ગ્રેજ્યુએશનમાં પ્રવેશ ફાળવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ટીચર્સ યુનિવર્સિટી કે જે સ્ટેટ યુનિવર્સિટી છે તેણે પણ આ જ ટેસ્ટના આધારે પ્રવેશની જાહેરાત કરતાં દ્વિધાભરી સ્થિતિ ઊભી થઇ છે.
યુજીસી દ્વારા બે વર્ષથી જુદા જુદા રાજ્યોની સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી રહી છે. ચાલુ વર્ષે મુદત પૂરી થયા બાદ 31મી માર્ચ સુધીની મુદત લંબાવવામાં આવી છે. આ દરમિયાન યુજીસી દ્વારા વધુમાં વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોને આ પરીક્ષામાં સામેલ થવા માટે સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાનમાં રાજ્યની ચાર ખાનગી યુનિવર્સિટીઓએ પણ આ પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની જાહેરાત કરી દીધી છે. મહત્ત્વની વાત એ કે, રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓમાં આવતી ટીચર્સ યુનિવર્સિટીએ પણ અંડર ગ્રેજ્યુએશન કક્ષાના પ્રોગ્રામમાં આ ટેસ્ટના આધારે પ્રવેશ ફાળવવાની જાહેરાત કરી છે.
બીજીબાજુ રાજ્ય સરકાર દ્વારા જે 14 સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, તેમાં પણ ટીચર્સ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે એક જ યુનિવર્સિટી દ્વારા બે જગ્યાએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એડમિશન પોર્ટલ હોવાથી એકપણ સ્ટેટ યુનિવર્સિટી કોમન યુનિવર્સિટી એડમિશનમાં જોડાઇ નથી. આમ, ટીચર્સ યુનિવર્સિટીમાં રાજ્ય બહારના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવે તેવા આશયથી સીયુટીમાં જોડાવવાની જાહેરાત કરવામાં હોવાનું તજજ્ઞો કહે છે. જેના કારણે રાજ્યની એકમાત્ર ટીચર્સ યુનિવર્સિટીમાં સીયુટી અને કોમન એડમિશન પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.