બનાસકાંઠાના પાલનપુરના અને કેશોદના વેપારી દ્વારા મુંદ્રા પોર્ટ પર મોકલેલા રુા.25-25 લાખની કિંમતના સિંગદાણા રાજકોટ બેડી યાર્ડમાં વેચવા આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરના ત્રણ અને માણાવદરના એક શખ્સને ઝડપી લીધા છે. કચ્છના નિતિન ભાનુશાળીએ છળકપટથી સિંગદાણા મેળવી બારોબાર વેચી નાખવા મોકલ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ટ્રક, કાર અને સિંગદાણા મળી રુા.36.76 લાખનો મુદામાલ કબ્જ કર્યો છે.
પાલનપુર અને કેશોદના વેપારીના સિંગદાણા સાથે હિમતનગરના ત્રણ અને માણાવદરના એક શખ્સની ધરપકડડ
સિગદાણા, ટ્રક અને કાર મળી રૂ.36.76 લાખનો મુદામાલ કબ્જે સિંગદાણાનો જથ્થો કચ્છના નિતીન ભાનુશાળીએ રાજકોટ પહોચાડયાનું ખુલ્યું
બનાસકાંઠાના પાલનપુર અને કેશોદના વેપારીઓએ મુંદ્રા પોર્ટ ખાતે મોકલેલા એકંદરે રૂા. 50 લાખના સીંગદાણા છેતરપિંડીથી મેળવી લઈ તેને બારોબાર વેચવા માંગતી ચાર સભ્યોની ટોળકીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધી છે. આ ટોળકી પાસેથી ક્રાઈમ બ્રાંચે રૂા. 25.26 લાખના સીંગદાણા મળી કુલ રૂા.36.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાજકોટ નજીકના બેડી યાર્ડમાં કેટલાક શખ્સો છેતરપિંડીથી મેળવેલા સીંગદાણા વેચવા આવ્યાની ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી. જાડેજાને બાતમી મળતાં પીએસઆઈ અનિરૂદ્ધસિંહ પરમારને તપાસમાં મોકલતાં બેડી યાર્ડ પાસેથી રૂા.25.26 લાખની કિંમતના સીંગદાણા ભરેલો ટ્રક મળી આવ્યો હતો. તે સાથે જ ક્રાઈમ બ્રાંચે ટ્રક ડ્રાઈવર નયન નાથાભાઈ મિયાત્રા (ઉ.વ. 34, રહે. ચુડવા, તા.માણાવદર), કેબલ ઉપરાંત કેટલ ફીડની વસ્તુઓની દલાલી કરતાં નાઝીમખાન કોદારખાન પઠાણ (ઉ.વ. 49, રહે. ગોપાલકુંજ સોસાયટી, હિંમતનગર), ફ્રી લાયન્સર તરીકે કમિશન એજન્ટ તરીકે કામ કરતાં મકસુદ અબ્બાસ મન્સુરી (ઉ.વ. 44, રહે. મૂળ ખલવાડ, પરબડા પ્રજાપતિવાસ, તા.હિંમતનગર) અને સ્ક્રેપનો ધંધો ઉપરાંત દલાલી કરતા અય્યુબખાન શરીફખાન પઠાણ (ઉ.વ. 53, રહે. અશરફનગર કસ્બા, હિંમતનગર)ની અટકાયત કરી છે.
ક્રાઈમ બ્રાંચે સીંગદાણા, ટ્રક, હોન્ડા સિટી કાર વગેરે મળી કુલ રૂા. 36.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય શખ્સોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બનાસકાંઠાના વેપારીએ મુંદ્રા પોર્ટ ખાતે અંદાજે 25 લાખના સીંગદાણા ટ્રાન્સપોર્ટમાં મોકલ્યા હતા. પરંતુ તે સીંગદાણા કોઈપણ રીતે કચ્છના નીતિન ભાનુશાળીએ મેળવી લીધા બાદ મકસુદને આપી દીધા હતા. જે તેણે રૂા. 15લાખમાં હિંમતનગરમાં જ વેચી દીધા હતા. આ છેતરપિંડી અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.
આજ રીતે કેશોદના વેપારીએ પણ અંદાજે 25 લાખના સીંગદાણા મુદ્રા પોર્ટ ખાતે ટ્રાન્સપોર્ટમાં મોકલ્યા હતા. આ સીંગદાણા પણ કચ્છના નીતિન ભાનુશાળીએ કોઈપણ રીતે મેળવી મકસુદને આપી દીધા હતા. જેથી મકસુદ આ સીંગદાણાનો જથ્થો વેચવા બે દિવસથી બેડી યાર્ડ આવ્યો હતો. પરંતુ હજુ સુધી વેચાણ થયું ન હતું. બરાબર તે જ વખતે ક્રાઈમ બ્રાંચને બાતમી મળી જતાં ચારેય શખ્સોને દબોચી લીધા હતા. આ સમગ્ર કૌભાંડમાં બીજા કયા કયા શખ્સોની સંડોવણી છે તે અંગે ક્રાઈમ બ્રાંચ તપાસ ચલાવી રહી છે. હાલ ચારેય શખ્સોની પૂછપરછમાં પાલનપુર તાલુકા અને કેશોદ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુના રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે.