શહેરમાં જામ્યો શ્રાવણીયો જુગાર
વામ્બે આવાસ, રૂખડીયાપરા, મોરબી રોડ, આજીડેમ અને થોરાળામાં જુગાર રમતી 13 મહિલા સહિત 41ની ધરપકડ: રૂા.1.32 લાખનો મુદ્દામાલ કબ્જે
શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા જાણે જુગારની મૌસમ ખીલી હોય ત્યારે કોઠારીયા રોડ પર આવેલા વિજયનગરમાં કારખાનામાં જુગારધામ પર તેમજ વાજબે આવાસ યોજનાના ક્વાર્ટરમાં, રૂખડીયા પરા, મોરબી રોડ, આજીડેમ નજીક રામ પાર્ક, થોરાળા વિસ્તાર અને રામ પાર્ક, થોરાળા વિસ્તાર અને ગંજીવાડા નાકા પાસે શહેર પોલીસે જુગારનાં દરોડા પાડી જુગાર રમતા 13 મહિલા સહિત 41 પત્તાપ્રેમીને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂા.1.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઠારીયા રોડ પર આવેલા વિજયનગર-1માં હિના ટાઇમ્સના કારખાનામાં ચાલતા જુગારધામ પર એલીસીબી ઝોન-1ની ટીમે જુગારનો દરોડો પાડી જુગાર રમતા મનસુખ બાબુભાઇ પટેલ, જીજ્ઞેશ ધીરજભાઇ પરમાર, ચિરાગ રસીકગીરી ગોસ્વામી અને નિતેશ બાવનજીભાઇ બરાઇ નામના શખ્સોને રૂા.62 હજારની રોકડ સામે એલસીબી ઝોન-1 પીએસઆઇ બી.વી.બોરીસાગર સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.
રાજકોટ તાલુકા પોલીસે વાજબા આવાસ યોજના, બ્લોક નંબર-40, ક્વાર્ટર નંબર-4માં રહેતો, નિલેશ કિશોરભાઇ પરમારના મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા નિલેશ અને બે મહિલા સહિત સાત પત્તાપ્રેમીને રૂા.11.230ની રોકડ સાથે ઝડપી લીધા છે.
પ્ર.નગર પોલીસે રૂખડીયા પરા સેન્ટ્રલ જેલની સામે રહેતી નીતાબેન કિશોરભાઇ સોલંકીના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી નીતાબેન સહિત નવ મહિલા અને અલ્પેશ રમણીકલાલ ગોટેચા અને શૈલેષ હરીભાઇ ઠકરારને રૂા.12,950ની રોકડ સાથે ઝડપી લીધા છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોરબી રોડ પર રેડ રેડીઝ હોટેલ પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા પર જુગાર રમતા જગદીશ જીવાભાઇ બાબરીયા અને સમીરને રૂા.પાંચ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે. આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી નજીક આવેલા રામપાર્ક-3માં રહેતો જ્યોતીષ રમેશભાઇ નારીગરાના મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતો જ્યોતીષ, મુકેશ પ્રવિણભાઇ વૈષ્ણવ સહિત છ અને બે મહિલાને મળી આઠ પત્તાપ્રેમીને રૂા.11,200ની રોકડ સાથે ઝડપી લીધા છે.
જ્યારે થોરાળા પોલીસે થોરાળા મેઇન રોડ પર આવેલા વાલ્મીકી સમાજ ચોક નજીક જુગારનો દરોડો પાડી જુગાર રમતા જયંતી અરજણભાઇ ઝાલા અને રામ પેથાભાઇ મેઘવલ સહિત છ શખ્સોને રોકડ અને સાત મોબાઇલ સાથે કુલ રૂા.29,600ના મુદ્દામાલ સાથે તેમજ ભાવનગર રોડ પર ગંજીવાડા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા કૌશીક વિનુભાઇ ઠાકર, વિક્રમ નાગજીભાઇ વીકાણી અને રાજુ રામસીંગભાઇ બ્રાહ્મણીયા નામના શખ્સોને રૂા.10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.